મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર શહેર જીલ્લામાં વાયરલ બીમારીના વાયરા વચ્ચે વૈશ્વિક બની ચુકેલી સ્વાઈન ફ્લુની બીમારીએ પણ માજા મુકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હજુ પણ શહેરની જી જી હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં છ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અત્યાર સુધીમાં નવ દર્દીઓ નોંધાયા છે.

જામનગરમાં ચોમાસા દરમિયાન ફેલાયેલી વાયરલ બીમારી સામે હજુ તંત્ર મથામણ કરી રહ્યું છે. એક સમયે ઘેર ઘેર ખાટલા જેવી નોબત આવી પડી હતી. આ પરિસ્થિતિ પર આંશિક નિયંત્રણ આવતા ડેન્ગ્યું, મલેરિયા અને ચીકનગુનિયા જેવી બીમારી પણ સામે આવી હતી. આરોગ્યતંત્ર રોગચાળાની આ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો કરી રહી છે. જે વિસ્તારમાંથી આ રોગના દર્દીઓ સામે આવી રહ્યા છે તેમ તેમ આરોગ્યની ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્વે અને જરૂરી ચિકત્સા કાર્યવાહી કરી રહ્યું છે. આ રોગચાળો દુર થાય તે પૂર્વે જ સ્વાઈન ફ્લુની બીમારીએ દેખા દેતા તંત્રની મથામણમાં વધારો થયો છે. સપ્તાહ બાદ સતત દર્દીઓના પ્રમાણમાં વધારો થતા જી જી હોસ્પિટલ પ્રસાસન દ્વારા આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પોઝીટીવ અને શંકાસ્પદ સ્વાઈન ફ્લૂ દર્દી સહીતના અનેક દર્દીઓએ સારવાર લીધી છે.

અત્યાર સુધીમાં કુલ નવ પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાના જુના જામનગર વિસ્તારમાં રહેતા એક મહિલાનું ગઈ કાલે સાંજે સારવાર હેઠળ મૃત્યુ હતું. આ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જ તંત્રએ સર્વે કરાવી જરૂરી પગલા ભરવા તાબડતોબ મીટીંગ્સ યોજી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવે તે પૂર્વે મોડી રાત્રે વધુ એક મહિલાનું મૃત્યુ નીપજતા આરોગ્ય તંત્ર ઉંધે માથે થયું છે. ધોરાજીના મહિલાને પ્રથમ રાજકોટ ખસેડાયા બાદ જામનગર તબદીલ કરવામાં આવ્યા હતા. તા. ૨૯મીના રોજ અહીં ભરતી કરવામાં આવેલી મહીલા દર્દીએ રાત્રે દમ તોડી દેતા હોસ્પીટલ તંત્રએ રાત્રે જ તેણીના મૃતદેહને તેમના પરિવારને સુપ્રત કરી દીધો હતો. બીજી તરફ હાલ અઈસોલેશન વોર્ડમાં છ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જો કે કોઈની હાલત ગંભીર નહીં હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ સતત વધતા જતા દર્દીઓ અને મૃત્યાંકને લઈને આરોગ્ય તંત્રની પણ મુસીબત બેવડાઈ છે.