મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં અગાઉ જે ડીવીજનમાં ફરજ બજાવતા હતા તે સીટી સી ડીવીજન પોલીસ દફતરના સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેની ટોળકીએ એક આસામીના પ્લોટ પર કબજો જમાવી ધાક ધમકી આપી વધુ એક ગુનો આચર્યો છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે અગાઉ જમીન પ્રકરણ સંબંધે ફરિયાદો નોંધાઈ ચુકી છે.

જામનગરમાં રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી પીઠા ચેતરીયા અને મુકેશભાઇ ભારવાડીયા, પોલાભાઇ બેરા તેમજ ગોવાણાના ગાગીયાનો દિકરો સહિતના ચાર સખ્સોએ કાર સાથે ઘસી જઈ  ખંભાલીયામાં હરસિદ્ધિનગર વીસ્તારમાં રહેતા કરશનભાઇ ખીમાભાઇ ગોજીયા નામના યુવાન પર સત્યમ કોલોની આહિર સમાજની વાડી પાસે આવેલ ધનાભાઇના ગોડાઉન નજીક છરી બતાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આહીર યુવાનની આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મી સહિતનાઓની શોધખોળ હાથ ધરી હતી. કરસનભાઈનો સમર્પણ સર્કલ પાસેનો પ્લોટ ધનાભાઇ વરૂને વેચેલો હતો. રૂપિયા ૨૦ લાખ ઉપરાંતની કિંમતના આ પ્લોટનો કબ્જો પીઠાભાઇ ચેતરીયા પાસે હોવાથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. આ બાબતે કરસનભાઈએ સમાધાન કરવા માટે સત્યમ કોલોની આહિર સમાજ પાસે આવેલ ધનાભાઇના ગોડાઉનમા બોલાવ્યા હતા.

જો કે આરોપીઓએ સમાધાન કરવાને બદલે ધાક ધમકી ઉચારી હતી અને લાકડાના ધોકા વડે યુવાનને માર માર્યો હતો. આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસના પીએસઆઈ મકરાણીએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જમીન પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે.