મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ રાજ્યના અનેક રાજકીય નેતાઓ અને મંત્રીઓ સુધીનાઓના નેગેટીવ અને પોજીટીવ પાસા દર્શાવતા વીડિયો વાયરલ થતા આવ્યા છે. હાલ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી પદયાત્રી કેમ્પમાં ફરાળી ચિપ્સ બનાવતા અને પદયાત્રીઓને આપતા નજરે પડે છે. મંત્રીના સાલસ સ્વભાવને પદયાત્રીઓ અને કેમ્પમાં સેવા કરતા અન્ય સેવકોએ વધાવ્યો છે. 

રાજ્ય મંત્રી બનાયા બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વાયુ વાવાજોડા વખતે જુદા જુદા કેમ્પમાં ખાદ્ય ચીજ વસ્તુઓનું પોતાની જાતે જ પેકિંગ કરી, જરૂરિયાતમંદ સુધી પહોંચાડયા બાદ વધુ એક વખત મંત્રી ગ્રાઉન્ડ જીરો પર આવી સેવા કાર્ય કર્યું છે. આ વખતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે જામનગરથી લાલપુરના ભોળેશ્વેર મહાદેવના દર્શને જતા પદયાત્રીઓની સેવા કરી છે. રવિવારે રાત્રે જામનગરથી મંદિર સુધીના રસ્તા પરના સેવા કેમ્પની મુલાકાત લઇ મંત્રી હકુભાએ જાતે જ ચિપ્સ બનાવી, પદયાત્રીઓને વહેંચી પોતાના સેવાભાવનું ઉમદા ઉદાહરણ રજુ કર્યું હતું.

આ સેવાકીય કાર્યનો વીડિયો વાયરલ થયો છે. જામનગર દક્ષીણ વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપામાંથી ચૂંટાયેલા અને પ્રથમ વખત જ મંત્રી બનેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના જીવનમાં કેટલાય સુખ દુઃખનો સામનો કર્યો છે. એક વખત મજુરી કામથી માંડી રિક્ષા ચાલક તરીકેની ભૂમિકામાં રહેલા ધારાસભ્ય હકુભા જાડેજાએ પોતાના સાલસ સ્વભાવ અને તમામ વર્ગના સામાન્યથી માંડી તમામ સાથે ભળી જવાના સ્વભાવને લઈને તેઓ લોકપ્રિય બન્યા છે.