મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાનું ધોરણ 10 નું 70 ટકા ઉપરાંત પરિણામ આવ્યું છે. જેમાં 164 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે. બીજી તરફ 100 ટકા પરિણામ વાળી 9 શાળામાં સફળતાના વધામણા કરવામાં આવ્યા છે. સફળ થયેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ મહેનતના પરિણામને વધાવ્યું છે. 

જામનગર એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત પટેલના પુત્ર કૌશિકે ધોરણ દસમા 99.99 પીઆર અને 97 ટકા સાથે રાજ્યના ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. દરરોજ સાત-આઠ કલાકનું આયોજન બદ્ધ વાંચન અને વાલીઓ અને માતાપિતાના પ્રોત્સાહન તેમજ શાળાના સુચારુ માર્ગદર્શનના કારણે આ સફળતા મળી હોવાનું કૌશિક પટેલએ જણાવ્યું હતું. બીજી તરફ જીજી હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા ડો વિજય પોપટ અને સ્કિન વિભાગના વડા ડો દેવલ પોપટની પુત્રી જિયાએ પોતાના જન્મ દિવસ નિમિતે તબીબ મમ્મી પપ્પાને 99.95 પીઆર સાથે ઉત્કૃષ્ઠ ભેટ આપી છે. સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો  કુલ 16678 વિદ્યાર્થીઓ પૈકી 164 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉર્તીણ થયા છે. જયારે 966 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જિલ્લાના કેન્દ્રની વાત કરીએ તો  ધ્રોલમાં 1252, જામ જોધપુરમાં 856, જામનગર શહેરમાં 1837, જામનગર ગ્રામ્યમાં 5086, કાલાવડમાં 1080, જોડીયામાં 248, લાલપુરમાં 794, સિકકામાં 167, 

જામ્બુડા કેન્દ્રમાં 244 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એકંદરે જિલ્લાનું 70.61 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 9 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું છે. જામનગરમાં સફળ રહેલ શાળાઓમાં શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓ પરિણામના વધામણા કરવામાં આવ્યા છે. સફળ રહેલ વિદ્યાર્થીઓએ મહેનતનું પરિણામ હોવાનું જણાવી ભાવી વિદ્યાર્થીઓને મહેનત કરવા સુચન કર્યું છે.