તુષાર બસિયા (મેરાન્યૂઝ.જામનગર): કોરોના વાયરસની મહામારી અને બગડેલી અર્થ વ્યવસ્થાના કારણે દેશ નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે વાલીઓ પાસે શાળાઓ ફી વસુલવા મહેનત કરે છે જે બાબતે વાલીઓ નારાજ છે. નારાજ વાલીઓને સરકાર કે શાળા સંચાલકો સાંભળતી નથી માટે જામનગરના શેતલબેન શેઠ દ્વારા ‘વાલીગીરી’ નામથી સરકાર સામે મોરચો માંડવાની શરૂઆત કરવામાં આવી છે. જેઓ શાળાને જડબાતોડ જવાબ આપવા માટે તેમની સામે કાયદેસર બાંધકામ અને રમત-ગમતના મેદાનની ફરિયાદ કરશે.

કોરોના અને સરકારની નિતીઓના કારણે અર્થતંત્ર ડામાડોળ છે, ઓછામાં પુરૂ કોરોનાનું લૉકડાઉન પડ્યા પર પાટું મારવાનું કામ કરી ગયું. આ તબક્કે સ્વાભાવિક રીતે દેશના નાગરિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં હોય. લોકોના ધંધા વ્યવસાય બંધ છે આવકના સાધનો ઘટી ગયા છે અથવા તો બંધ થઈ ગયા છે. ઉપરાંત બાળકોના શિક્ષણની વાત પર પરેશાન કરે છે. માર્ચમાં આવેલા લૉકડાઉનથી શિક્ષણ સંસ્થાઓ બંધ છે, બાળકોને કહેવાતું ઓનલાઈન શિક્ષણ મહદઅંશે પહોંચી રહ્યું છે જે પુરતુ નથી. સરકારે શાળાઓને ફી નહીં લેવા કહ્યું જેના પર હાઈકોર્ટે આદેશ કરી સરકારના નિર્ણયને લપડાક લગાવી દિધી. જેના કારણે જામનગરના ભાજપ પ્રેરિત આગેવાન શેતલબેન શેઠ દ્વારા શાળાઓ સામે વાલીગીરી નામનો મોર્ચો ખોલવામાં આવ્યો છે. આ મોર્ચો શાળાઓના ગેરકાયદેસર બાંધકામ, અપુરતી સુવિધા, રમત-ગમતના મેદાન અને નિયમો મુજબના સંચાલન બાબતે લડાઈ લડશે.


 

 

 

 

 

આ વાલીગીરની લડાઈનું કારણ જણાવતા શેતલબેન જણાવે છે કે, ‘શાળાઓ જો વાલીની મજબૂરીમાં સમજતી ન હોય અને ફી બાબતે નમતું જોખવા તૈયાર ના હોય તો અમે પણ તેમને કાયદો શિખવશું. શાળાઓ પાસે 100ના સ્ટેમ્પ પર શાળાથી ખુબ દૂર પ્લોટ ભાડે રાખી રમત-ગમતના મેદાન તરીકે બતાવવામાં આવે છે અને મેદાનની જગ્યા પર બિલ્ડીંગ્સ ઊભા હોય છે. ઉપરાંત શાળાઓ પાસે નિયમાનુસાર બાંધકામ પણ નથી અથવા તો ગેરકાયદેસર કરતા વધારે બાંધકામ છે, બાળકોને બેસાડવા માટે પુરતા રૂમ પણ ઉપલબ્ધ નથી હોતા. આ પ્રકારે શાળામાં ક્યાંકને ક્યાંક તો ગેરકાયદેસર કાર્ય કરતા શાળા સંચાલકોને પાઠ ભણાવી તેમને ફી માફી આપવા મજબૂર કરવા છે અને સાન ઠેકાણે લાવવી છે. જરૂર પડ્યે અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા પર તૈયાર છીએ.’

 

શેતલબેનની સાથે ચર્ચા દરમ્યાન મેરાન્યૂઝના પત્રકારે જાણેલી વિગતો મુજબ શેતલબેન ભાજપ પ્રેરિત આગેવાન છે, ઉપરાંત રાજ્યમાં જામનગર સિવાય તેમની પાસે ક્યાંય પણ સંગઠન ઊભુ કરાયેલું નથી. ભવિષ્યમાં ગુજરાત વ્યાપી આંદોલન કેમ ચાલશે, આપના સાથે કેટલા લોકો જોડાયેલા છે, વાલીઓને સાથે લેવા કઈ પ્રકારે કાર્ય કરવામાં આવશે તે બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે વાલીઓ તેમને રોજ મેસેજ અને ઈ-મેઈલ મારફતે ફરિયાદો પહોંચાડી રહ્યા છે. હવે જોવું રહે કે શેતલબેનની આ લડાઈ ક્યાં સુધી અને કેટલા દિવસ સુધી ચાલે છે પણ એક વાત તો સ્પષ્ટ જણાય છે કે સરકાર અને શાળાતંત્ર વચ્ચેની જુલગબંધી વાલીઓની પીડાને વધારી રહી છે આવું જ ચાલતું રહ્યું તો શિક્ષણ જગતમાં માફિયાગીરીનો ફેલાવો વધુ થશે.

વાલીઓની ફી ઘટશે કે માફ થશે તે બાબતે તો સરકાર અને નામદાર કોર્ટ જ કહી શકશે પરંતુ વાલીઓમાં ફી બાબતે આક્રોશ સરકારને ભોગવવો જ પડશે તે સ્પષ્ટ છે. વાલીઓ પોતાના બાળકોના શિક્ષણને ધ્યાને લેતા શાળાઓને બીજી કોઈ રીતે પછાડી શકે તેમ નથી તે બાબત પણ હકિકત છે.