મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર નજીકની રિલાયન્સ ઇન્ડટ્રીઝમાં સિકયોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શખ્સે આર્મી મેજરનો ડ્રેસ ધારણ કરી લેતા ખુદ આર્મી હરકતમાં આવી હતી. પોતે મેજર ન હોવા છતાં આરોપીએ ડ્રેસ સહિતની ચીજ વસ્તુઓ કેમ ધારણ કરી ? આ બાબત ચર્ચાનો વિષય બની છે.

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર વિગત મુજબ રિલાયન્સ કંપનીની ટાઉનશીપમાં રહેતા અને કંપનીના સિકયોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના  વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેજર ન હોવા છતા, આર્મી મેજરનો યુનિર્ફોમ ધારણ કર્યો હતો. જેમાં અમદાવાદ કેન્ટનો ફોરર્મેશન સાઇન તથા સર્વિસ રીબિન તેમજ રાષ્ટ્રીય રાઇફલનો સિમ્બોલ, મિસાઇલ બેઝ તથા આર્મી ચિફ પ્રમાણ પત્ર અને જી.ઓ.સી પ્રમાણ પત્ર સહિતની સામગ્રી શર્ટમાં ધારણ કરી હતી.

આ શખ્સ આર્મી મેજર ન હોવા છતા આર્મી મેજરનો વેશ ધારણ કર્યો હોવાની ભુજ આર્મી કેન્ટ એરિયાના ઓફિસર રાજેશકુમાર સનાભાઇ રાઠોડએ નકલી આર્મી મેજર સામે મેઘપર પોલીસ દફતરમાં આઇપીસી કલમ 170, 171 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસોજી પોલીસ દ્વારા નકલી મેજર અને રિલાયન્સ કંપનીના સિકયોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા આ શખ્સની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આખરે રિલાયન્સ કંપનીના સિકયોરીટી ઓફિસરને કેમ આમ કરવાની જરૂર પડી? વાત રસપ્રદ છે. પોતાની સગાઇ સારા ઘરની છોકરી અને સારા પરિવારમાં કરવા માટે પોતે પોતાના બાયોડેટામાં આર્મી મેજરનો ઉલ્લેખ કરી ઓનલાઇન સાઇડ પર આ ડેટા મુકયો હતો. ત્યારબાદ તેની સગાઇ પણ નક્કી થઇ હતી. બીજી તરફ આર્મી ઇન્ટીલજન્સને આ વાતની જાણ થઇ હતી. અને છેક રિલાયન્સ કંપની સુધી આ વાતની ખરાઇ કરાવી હતી. જેમાં રિલાયન્સ કંપનીના સિકયોરીટી ઓફિસર તરીકેની નકોરી તો કરે છે પરંતુ લગ્ન કરવા માટે આમ કર્યું હોવાનું સામે આવ્યું છે.