મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે આવેલ એક આંગડિયા પેઢીના કર્મચારીને આવી ચડેલા બે સખ્સોએ બંદુક બતાવી રૂપિયા પચાસ હજારની રોકડની લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. બીજી તરફ લૂંટ કરી નાશી રહેલા બે પૈકીના એક શખ્સને લોકોના ટોળાએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો છે.

લાલપુર સહિત જીલ્લામાં સનસનાટી મચાવનાર બનાવની વિગત મુજબ, લાલપુરમાં જુની પોલીસ ચોકી પાસે આવેલા એક બિલ્ડીંગમાં બીજા માળે આવેલી વિશ્વકર્મા આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલ્લભાઇ મજીઠીયા ગુરૂવારે મોડી સાંજે પેઢીને વધાવીને ઘર તરફ જઇ રહ્યા હતા. જે વેળાએ જ બે અજાણ્યા શખ્સોએ ધસી આવીને જોરદાર ધકકો મારી તેમના હાથમાં રહેલુ રૂ.50 હજારની રોકડ રકમ સાથેના પર્સની લૂંટ ચલાવીને નાશી છુટયા હતા. 

હતપ્રત બનેલા આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલ્લભાઇ મજીઠીયાએ જોરથી બુમાબુમ કરતા આજુબાજુના લોકો પણ એકત્ર થયા હતા. આ બનાવમાં પોલીસે આંગડિયા પેઢીના સંચાલક પ્રફુલ્લભાઇની ફરિયાદ પરથી બે શખ્સ સામે લૂંટનો ગુનો નોંધી ફરારી લૂંટારૂઓને પકડી પાડવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ થેલો હાથમાં આવી જતા લૂંટારૂ શખ્સ પાસે જ બાઈક લઇ ઉભેલા શખ્સની પાછળ બેસી નાસવા લાગ્યો હતો. જેને પગલે પ્રફુલભાઈએ રાડારાડી કરતા બજારના વેપારીઓ અને નાગરિકોએ બાઈક પાછળ બેઠેલા એક શખ્સને આંતરી લીધો હતો. પબ્લીકે આ શખ્સના કબજામાંથી એક બંદુક ઝુંટવી, મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો. આ બનાવ અંગે પ્રફુલભાઈએ બે અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ ૩૯૪, ૧૧૪ તથા આર્મ એક્ટ કલમ ૨૫ (૧) (બી) (એ) મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલા શખ્સની ભાળ મેળવવા નાકાબંદી કરી હતી. આ બનાવે સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર જગાવી છે.