મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રીવાબાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રીવાબા સમાજની પુરુષ પ્રધાન એવી માનસિકતા બદલવા વિશે જણાવી રહ્યા છે. અને કહે છે કે ઘરનું કામ કરવાથી ઝાલા કે જાડેજા સરનેમ ઉપર કોઈ અસર પડવાની નથી. મારા પતિને કોઈ જરૂર નહીં હોવા છતાં તેઓ મને ઘરકામમાં મદદ કરે છે. રીવાબા જાડેજાનો આ વિડીયો હાલ વાયરલ થયો છે. તેમજ સૌકોઈ તેમની આ વિચારસરણીને આવકારી રહ્યું છે. ત્યારે ખરેખર રીવાબાની શીખ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે અને તેનું અમલીકરણ થાય તે પણ જરૂરી છે.

વીડિયોમાં રીવાબા જાડેજા મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, 'દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણા દીકરાઓને આપણે કહેવાની જરૂર છે કે તે પણ દીકરીની જેમ જ ઘરનું કામ કરે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમની ઉપર કોઈ ચોકડી નથી મારવાનું. સાવરણી ઉપાડવાથી આપણું દરબારી પણ જતું નથી રહેવાનું.'


 

 

 

 

 

'મારા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ને કોઈ કામ કરવાની જરૂર નહીં હોવા છતાં હું જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવે છે.' આપણા સમાજમાં દાયકાઓથી જ્યારે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર કે બળાત્કાર જેવા હિન કૃત્યો થતા હોય છે. ત્યારે ઘણા લોકો તે ઘટનાને લઇ દીકરીઓ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવે છે. દીકરીઓનાં પહેરવેશને લઈને પણ ટીકાઓ કરતા હોય છે. પરંતુ ક્યારેય આપણા દીકરાઓને કેમ જીવવું તે શીખવ્યું છે ખરા?