મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: માહિતી અધિકાર મુજબ અરજીનો નિયત સમયમાં જવાબ નહિ મળતા અને સ્થાનિક કચેરી દ્વારા આયોગના હુકમનો પણ અનાદર કરાતા જામનગર ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ એક નિવૃત પીએસઆઈ અનસન પર બેસી ગયા છે. બે દિવસમાં જવાબ નહિ મળે તો પોતે કલેક્ટર કચેરીએ જઈ આપઘાત કરી લેશે એમ  ચિમકી ઉચ્ચારતા તંત્ર દોડતુ થયું છે.

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે રહેતા નિવૃત પીએસઆઈ પ્રવીણસિંહ વાઢેર આજે જામનગર ખાતે આવેલ ખાણ-ખનીજ વિભાગની ઓફિસ બહાર અનસન પર બેસી ગયા છે. છ માસ પૂર્વે પ્રવીણસિંહ દ્વારા સ્થાનિક કચેરીએ લીજ ખાતાને લઈને માહિતી માંગવામાં આવી હતી. જોડિયા તાલુકાના તમાચણ ગામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગીતાબેન રામજીભાઈ મકવાણાને રેતીની લીજ ફાળવી હતી. જોડિયા તાલુકાના ઉંડ ડેમ વિસ્તારમાં ફાળવવામાં આવેલ આ લીજ કઈ સાઈટ, કેટલા ક્ષેત્રફળમાં ફાળવવામાં આવી છે તેનો નકશો આપવા માંગણી કરી હતી. આ ઉપરાંત લીજ અંગે ક્યારે દરખાસ્ત કરવામાં આવી હતી? મંજુરી બાદ કેટલો જથ્થો કાઢવામાં આવ્યો છે? લીજ વાળી જમીનમાંથી કેટલા ટન જથ્થો બહાર કાઢવામાં આવ્યો છે ? બહાર કાઢી રેતી પરિવહન કરવા પેટે કેટલી રકમ સરકારમાં ચૂકવામાં આવી છે? જો આ રકમ ભરપાઈ ન કરવામાં આવી હોય તો સરકાર દ્વારા કેટલી રકમ વસુલવાની થાય છે ? આ રકમ વસુલવા કચેરી દ્વારા લીજ ધારક વચ્ચે થયેલ પત્રવ્યવહાર થયો હોય તો તેમની ખરી નકલ અને દીવાની કે ફોજદારી પગલા ભરવામાં આવ્યા છે કે કેમ ? આ તમામ બાબતોની લેખિત જવાબ રૂપે ખરી નકલમાં આપવાની માહિતી માંગવામાં આવી હતી.

જામનગર ખાણ ખનીજ તંત્ર દ્વારા નિયત સમય અવધિમાં માહિતી કાયદા હેઠળ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને લઈને નિવૃત પીએસઆઈ દ્વારા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. જેનો પણ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બાબતને લઈને અરજદાર વાધેર માહિતી આયોગમાં જઈ કચેરી અંગે ઉપરોક્ત વિગતો આપવાની માંગણી કરી હતી. જેને લઈને આયોગ દ્વારા એક જ મહિનામાં તમામ વિગતો પૂરી પાડવા જામનગર ખાણ-ખનીજ વિભાગને સુચના આપી હતી. જુન મહિનામાં કરવામાં આવેલ આદેશ છતાં પણ માહિતી આપવામાં સ્થાનિક ખાણ-ખનીજ તંત્ર એ દરકાર નહિ લેતા આખરે અરજદાર થાકી ગયા હતા અને આજે જામનગર કચેરી ખાતે બે દિવસના અનસન પર બેસી ગયા છે. બીજી તરફ બે દિવસમાં માહિતી આપવામાં નહિ આવે તો અરજદાર વાઢેર આવતી કાલે કલેકટર કચેરી પહોચી આત્મવિલોપન કરશે એમ અંતિમ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બાબતને લઈને તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવા સંબંધિત કામગીરી શરુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.