પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.જામનગર): અત્યારે ગુજરાતના રાજકારણમાં જામનગર હોટ ટોપીક બની ગયું છે. જામનગરમાં વધી રહેલા ક્રાઈમ અને થોડા દિવસો પૂર્વે રિલાયન્સના પરિમલ નથવાણીએ આઈજીપી સંદીપસિંગની કાર્ય પ્રણાલી અંગે કરેલી ટીકા બાદ જામનગરના એસપી શ્વેતા શ્રીમાળીની તુરંત બદલી થાય છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને ત્યાં એસપી તરીકે મુકાય છે. જેના કારણે પરિમલ નથવાણી અને સંદીપસિંગ વચ્ચે કયા મુદ્દે ટકરાવ થયો તેને લઈ અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા હતા.

જામનગરના ગેંગસ્ટર જયેશ પટેલે મચાવેલા આતંકનું કારણ હાલના તબક્કે આપી દીપેન ભદ્રનને ત્યાં મુક્યા હોવાનું કહેવાય છે પરંતુ જયેશ પટેલને મંત્રી હકુભા જાડેજાનું રાજકીય રક્ષણ હોવાનું પણ જામનગરમાં જગ જાહેર ચર્ચાઈ રહ્યું છે. હકુભા ગ્રાઉન્ડ લેવલના નેતા હોવાને સાથે તેમનો આર્થિક કારોબાર વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો છે. સ્વાભાવીક છે કે તેમનો આર્થિક કારોબાર રિલાયન્સ સાથે પણ ચાલે છે. 


 

 

 

 

રિલાયન્સ હોય, અદાણી હોય, એસ્સાર હોય, અંબુજા હોય... આ તમામ ઉદ્યોગોની એક એવી મર્યાદા છે કે તેમણે પોતાનો ધંધો કરવા માટે સ્થાનીક નેતાઓને અથવા નેતાઓ કહે તેમને જ કોન્ટ્રાક્ટ આપવા પડે છે. આવું જ કાંઈક જામનગર રિલાયન્સમાં છે. આવા જ મુદ્દે હકુભાના હઠાગ્રહને કારણે પરિમલ નથવાણીના પુત્ર અને રિલાયન્સ જામનગરના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી વચ્ચે ટકરાવ થયો હતો. હકુભાએ મંત્રી હોવાનો પાવર, જામનગરમાં રહેલી તેમની ધાક અને ગાંધીનગર સુધી રહેલી તેમને પહોંચ અને તાકાત ધનરાજ નથવાણીને બતાવી તેમની સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. જોકે રિલાયન્સના અધિકારીઓને તો સ્થાનીક ગુંડા અને નેતા રોજ ધમકાવે છે, પરંતુ હવે ધનરાજ નથવાણી સાથે પણ તેવું જ થવા લાગ્યું.

આ મામલો પરિમલ નથવાણી સુધી પહોંચતા પરિમલ નથવાણીએ આ મામલે આઈજીપી સંદીપસિંગનો સંપર્ક કર્યો, પરંતુ સૂત્રોની જાણકારી પ્રમાણે સંદીપસિંગને પરિમલ નથવાણીની તાકાત સાથે હકુભા જાડેજાના તમામ પાવર અને વગની ખબર હતી, તેમણે આ મુદ્દે પરિમલ નથવાણીને સમર્થન આપવાને બદલે હકુભાની સાથે રહેવાનું પસંદ કર્યું, આથી પરિમલ નથવાણી ગાંધીનગરથી લઈ દિલ્હી સુધીના તેમના સંપર્કો ચાલુ કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મુદ્દે સાંસદ પુનમ માડમે હકુભાને બદલે પરિમલ નથવાણી સાથે રહેવાનું પસંદ કર્યું છે.