મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં એક સગીરાની એકલતાનો લાભ લઇ નારાધમે આઠ માસના ગાળામાં ચાર-પાંચ વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ સગીરાના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાહેર થયું છે.

જામનગર શહેરમાં ચકચાર જગાવનાર બળાત્કાર પ્રકરણની સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં નોંધાયેલી વિગત મુજબ, શહેરના એ ડીવીઝન વિસ્તારના જ એક લતામા રહેતા પરિવારની સગીર પુત્રી આજ થી સાત-આઠ માસ પૂર્વે એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી આવેલા શાહરૂખ સીદીકભાઇ પંજા નામના પટણી શખ્સે તેની એકલતાનો લાભ લેવા તેણી પર પરાણે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ આરોપીએ વધુ ચાર-પાંચ વખત તેણીને ધમકાવી વધુ વખત શારીરીક શોષણ કર્યું હતું.

જેને પગલે તેણી ગર્ભવતી બની ગઇ હતી. ગર્ભવતી બની ગયા બાદ તેણીએ આ બનાવ અંગે પરિવારને જાણ કરી હતી. દરમ્યાન આરોપીએ તેણીના પરિવારને પણ ધાક-ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે આજે તેણીએ આરોપી સામે સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 376, 452, 506 (2) અને પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.