મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ યુ.પી.ના હાથરસ ઉપરાંત અન્ય સ્થાનો પર થયેલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ જામનગર શહેરમાં પણ એક સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા સનસનાટી પ્રસરી જવા પામી છે. બે દિવસ પૂર્વે જામનગર શહેરમાં વસવાટ કરતી એક સગીરા પર ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનારે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે, ફરિયાદ નોંધાતા જામનગર પોલીસે દુષ્કર્મ આચરનાર ચારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર એક શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે, દુષ્કર્મ આચરનાર ચાર શખ્સો પૈકી એક શખ્સ સાથે સગીરાને સબંધ હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો યુવકના મિત્રો હતા, જેને સગીરાને રૂમમાં લઇ જઈ અને દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. 

જાણવા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે 4 શખ્સોએ ઘેનની ટીકડીઓ ખવડાવી બાદમાં સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત તે દાવાઓ પર સવાલ ઉઠાવે છે. જો કે પોલીસે આરોપીઓ પૈકી ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. અને નાસી છૂટેલા અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ જ ગુજરાતમાં સામુહીક દુષ્કર્મની ઘટના બની હતી. આજે વધુ એક ઘટના બનતા તંત્ર સહિત તમામ ચોંકી ગયા છે.