મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં સીટી એ ડીવીજન પરિસરમાં એકત્ર થયેલ ટોળાને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કરતા દોડધામ મચી જવા પામી હતી, કાયમ માટે ટ્રાફિકથી ધમધમતા રહેતા બર્ધન ચોક આસપાસના વેપારીઓને ટ્રાફિક નિયંત્રણના નામે પોલીસ દ્વારા કરવામાં આવતી વાહન ટોઈંગની કામગીરીને લઈને અસંતોષ થતા રાત્રે બર્ધન ચોકના વેપારીઓ એકત્ર થઇ સીટી એ ડીવીજન પોલીસે રજૂઆત માટે ગયા હતા. જોકે ટોળાની ઉગ્રતા અંતે વધુ ઉગ્રતામાં પલટી જતા પોલીસે ટોળાને વિખેરાઈ જવાની આપેલ સુચના બાદ લાઠી ચાર્જ કરતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસ કાર્યવાહીથી નારાજ વેપારીઓ આવતી કાલે બંધ પાળી વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

જામનગરમાં દરબારગઢથી બર્ધન ચોક, લીંડી બજાર, સિંધી બજાર અને માંડવી ટાવર સુધીના વિસ્તારમાં દિવસ ઉગતાની સાથે ટ્રાફિક થવા લાગે છે બપોર સુધીમાં તો રસ્તાની બંને તરફ પથારા વાળા ખડકાઈ જતા હોવાથી ટ્રાફિક બેવડાઈ છે. ટ્રાફિક પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા અહીં ટ્રાફિક નિયંત્રણ માટે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી છે, પણ ચાર દિન કી ચાંદનીની જેમ સપ્તાહ બાદ ફરી એ જ સ્થિતિ નિર્માણ પામે છે. ફરી વખત ટ્રાફિક બેકાબુ બનતો હોય છે. બોજી તરફ ટ્રાફિક નિયંત્રણમાં મહાપાલિકા તથા પોલીસની હપ્તા ખાઉં સીસ્ટમ પણ કયાંક ને કયાંક કારણભૂત હોવાનો છાછવારે વેપારીઓ અને પથારા વાળા આક્ષેપ લગાવતા આવ્યા છે.

બીજી તરફ આ રસ્તા પર કે બર્ધન ચોકમાં વાહન પાર્કિંગ માટે અગાઉથી કોઈ જગ્યા ફાળવવામાં નહિ આવતા અહી વેપારીઓ અને ગ્રાહકો પોતાના વાહનો દુકાનની સામે જ પાર્ક કરે છે. આ વાહનો પણ ટ્રાફિક નિયંત્રણ માટે વિકટ બનતા હોવાથી તાજેતરમાં પોલીસે આ વાહનો ટોઈંગ કરી ડીટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈને વેપારીઓમાં કચવાટ ઉભો થયો હતો. છેલ્લ્લા બે ત્રણ દિવસથી  આ કાર્યવાહી અવિરત રાખતા આજે સાંજે વેપારીઓ એકત્ર થઇ સીટી એ ડીવીજન પોલીસ દફતર પહોચ્યા હતા. જ્યાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. દરમિયાન ટોળા એકત્ર થઇ ગયા હતા.

જેને લઈને પોલીસે ટોળાને વિખેરાઈ જવાની સુચના આપી હતી પરંતુ વેપારીઓએ ન્યાયની માંગણી સાથે વધારે ઉગ્રતા બતાવતા પોલીસે તાત્કાલિક લાઠી ચાર્જ કર્યો હતો. જેને લઈને દરબારગઢમાં અફડા તફડી મચી ગઈ હતી. પોલીસના લાઠી ચાર્જના પગલે દોડધામ મચી ગઈ હતી. તંગ સ્થિતિ વધુ જટિલ ન બને તે માટે એલસીબી અને એસઓજી પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. બીજી તરફ વેપારીઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ દર્શાવી આવતી કાલે લાઠી ચાર્જના વિરોધમાં બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો.  આ ઘટનાને પગલે જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મેરાન્યૂઝનું ફેસબુક પેજ લાઈક કરવા અહીં ક્લિક કરો- https://www.facebook.com/MeraNewsGuj/