મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: સાવકા બાપની વાસનાનો ભોગ બનેલ માસુમ બાળકીએ મધર્સ ડે ના દિવસે જ બાળકને જન્મ આપતા કળિયુગની એક નવી કહાનીનો અધ્યાય શરુ થયો છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની આ ઘટના નવ માસ પૂર્વે જ બહાર આવતા પોલીસે જે તે સમયે જ નરાધમ સાવકા બાપને પકડી પાડી જેલ પાછળ ધકેલી દીધો હતો. પરંતુ સમાજ ક્યારેય ગ્રાહ્ય ન રાખે તે સંબંધની આડમાં જન્મેલ બાળકના જીવતરનું શું એ પણ પર્વત જેવડો સવાલ  છે.

જામનગર જીલ્લાની ચકચારી ઘટનાની વિગત મુજબ, જામ જોધપુર તાલુકાના બુટાવદર ગામના કાનજી મકવાણાની પ્રથમ પત્નીના અવસાન બાદ તેમણે પોતાના જ સમાજ ની એક યુવતી સાથે સંસાર માંડ્યો હતો. આ પત્નીને પોતાના આગલા ઘરની ચાર દીકરીઓ હતી. આ દીકરીઓને લઈને મહિલા નવા ઘરે આવી સંસારની શરૂઆત કરી હતી. સમય જતા મજુરી કામ કરતા કાનજીને નવા સંસારથી એક પુત્રનો જન્મ થયો હતો. પ્રથમ પત્નીના ડીલેવરી પીરીયડ દરમિયાન નરાધમ સાવકા પિતા કાનજીએ પોતાની બીજી પત્નીની આંગળિયાત દીકરીઓ પૈકીની બીજા નંબરની ૧૨ વર્ષીય પુત્રી પર નજર બગાડી એકાદ વર્ષ અગાઉ બળાત્કાર ગુજાર્યો હતો. એક વખતનો સિલસિલો પછી વારંવારમાં તબદીલ થઇ જતા બાળકી ગર્ભવતી બની ગઈ હતી. માસુમ પુત્રી ગર્ભવતી બનતા માતાને આ ઘટનાની જાણ થઇ હતી અને તેણીએ જ આ બનવા અંગે પતિ કાનજી સામે માસુમ પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનવવા અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આરોપી કાનજીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો હતો. આ બનાવ બાદ પુરા નવ માસના ગર્ભ બાદ ગઈ કાલે એટલે કે તારીખ ૧૨ મીના રોજ રાત્રે જામનગરની જી જી હોસ્પિટલ ખાતે એક પુત્રને જન્મ આપ્યો હતો. મધર્સ ડે ના દિવસે જ સગીરાએ માસુમ બાળકને જન્મ આપતા એક સામાજિક રીતે અસામાજિક કહાનીના નવા અધ્યાયની શરૂઆત થઇ છે. માસુમ બાળકીની હાલત નોર્મલ ડિલિવરીને લાયક ન હોવાથી તબીબોએ બાળકી પર સીજેરિયન કરી બાળકને જન્મ અપાવ્યો હતો. હાલ બાળક અને તેની માસુમ જનેતાને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે બાળકના ડીએનએ ચકાસવા જરૂરી નમુના લઇ ગાંધીનગર લેબમાં પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે.  જે ઉંમરે શાળાએ જવુ જોઈએ એ ઉમરે નરાધમ સાવકા બાપના પાપનો ભોગ બનેલ સગીરા અને તેના સંતાનના ભવિષ્યનું હવે શું? એ સવાલ વેધક બન્યો છે.