મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઇ-વાસજાળીયા રોડ પર રાજકોટ રેંજ પોલીસે એક ટ્રેકટરને આતંરી લઇ દેશી દારૂનો વિશાળ જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોએ શંકા ન જાય તે માટે દેશી દારૂને એવી જગ્યાએ સંતાડયો હતો. પરંતુ દારૂના ધંધાર્થીઓની આ નવી મોડેશ ઓપરેન્ડી પણ પોલીસે પકડી પાડી છે.
જામજોધપુર તાલુકા મથક નજીકના તરસાઇ-વાસજાળીયા રોડ પર રેંજ પોલીસે બુધવારે બપોરે એક ટ્રેકટરને આંતરી લીધુ હતું. ટ્રેકટરની ટ્રોલી ચેક કરતા અંદરથી વાહનઓના ટાયરની ટ્યુબો મળી આવી હતી. પોલીસે ટ્રેકટરમા સવાર ભરત કારા મોરી અને કાના વરજાંગ મોરી નામના વાસજાળીયા તાલુકો જામજોધપુર રહેતા બન્ને શખ્સોને ટાયર અંદર શું ભર્યુ છે, એમ પુછ્યું હતું. પાણીની તંગી હોવાથી પાણી ભર્યું હોવાનું બન્ને શખ્સોએ જણાવ્યું હતું, પરંતુ પોલીસે ટાયરને ચેક કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂા.9,600ની કિંમતનો 480 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. બન્ને આરોપીઓની પુછપરછ કરતા વધુ ત્રણ શખ્સોની સંડોવણી ખુલાવા પામી હતી જેમા અરજણ કારા સામળા, બધાભાઇ કોડીયાતર અને જયેશ અમરાભાઇ મોરી નામના ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે  રૂા.5.10 લાખનો મુદામાલ કબ્જે કરી, ત્રણ શખ્સોને ફરાર દર્શાવી પકડાયેલા બન્ને શખ્સો સામે જામજોધપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.