મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા યોજના અંતર્ગત કરવામાં આવેલ પાઈપ લાઈનની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ રાજ્યની જાહેર હિસાબ સમિતિએ લગાવ્યા છે. કેગની સુચના બાદ બે દિવસના પ્રવાસે આવેલ સમિતિના સભ્યોએ બંને જિલ્લાના આઠ ગામડાઓની મુલાકાત લીધી હતી. જેમાં તંત્ર દ્વારા બંને જિલ્લ્લા ત્રણસો ઉપરાંત ગામડાઓમાં પાણી નહિ પહોચતું હોવાનું સામે આવ્યું છે. જ્યાં પહોચે ત્યાં પાણી અપૂરતું પહોચી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. જામનગર ખાતે બંને જીલ્લાના વહીવતી તંત્રના અધિકારીઓ અને જિલાના હોદેદારોની હાજરીમાં સમિતિએ બેઠકમાં સમિતિએ પીવાના પાણીની વાસ્તવિક સ્થિતિ અને નિરાકરણ પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

રાજ્યના કેગના રીપોર્ટમાં સામેં આવેલ ક્ષતિઓને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નર્મદા યોજનાની સ્થિતિની ખરો તાગ મેળવવવા રાજ્યની જાહેર હિસાબ સમિતિની ટીમ છેલ્લા બે દિવસથી હાલારમાં નર્મદાની સ્થિતિ અંગેનો તાગ મેળવવા આવી છે. સમિતિ અધ્યક્ષ અને ઉનાના ધારાસભ્ય પુંજા વંસની આગેવાનીમાં બંને જીલ્લાના ચાર તાલુકાના આઠ ગામડાની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૦૭-૦૮ માં હાલારના બંને જિલાના મોટાભાગના ગામડાઓમાં પાઈપ લાઈન પાથરી દીધી હતી. કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ આ કામમાં વ્યાપક ક્ષતિઓ સામે આવી હતી. જેમાં નર્મદા યોજનાની પાઈપ લાઈન બિછાવી દેવામાં આવી હોવા છતાં બંને જીલ્લાના ૩૪ ગામડાઓમાં હજુ પણ નર્મદાના પાણી પહોચ્યા નથી. પાઈપ લાઈનના કામમાં લાલીયાવાળી અને તાંત્રિક ખામીના કારણે નર્મદા યોજનાને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોવાનો આરોપ સમિતિ અધ્યક્ષ વંશ દ્વારા લગાવાયો છે. આ ઉપરાંત બંને જિલ્લાના ૩૪૯ ગામડાઓમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી સામે આવી છે. દ્વારકાના બેટ દ્વારકા ગામે વીસ દિવસથી પાણી પહોચ્યું જ નથી એવી ફરિયાદ પણ સમિતિની મૂલાકાત દરમિયાન સામે આવી હતી, આ ઉપરાંત જામજોધપુરના ૩૬ ગામડાઓ ઉપરાંત માલધારી નેશ વિસ્તાર,  કાલાવડના કાલ મેઘડા ગામ, ડેરી અને હરિપર, મેવાસા , ધૂન ધોરાજી તેમજ જામનગરના ધૂળસિયા, મોડપર અને નાની માટલી ગામમાં પાઈપ લાઈન ખામી યુક્ત હોવાની ફરિયાદો સામે આવી હતી. જયારે દ્વારકા જિલ્લાના ધરમપુર, ચુર, વરવાડા, રૂપેણ બંદર અને ઓખા તેમજ બેટ દ્વારકામાં પાણીની સમસ્યા સામે આવી હતી. બંને જિલ્લાના વહીવટી અધિકારીઓ અને પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ ઉપરાંત  બંને જિલ્લાના બે ધારાસભ્યો, તમામ તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા. સમિતિમાં ચર્ચાયેલ પાણીની સમસ્યાને લગતી બાબતોને ઉકેલી નાખવા વહીવટી  તંત્ર પ્યાસો કરશે એવી સમિતિને હૈયા ધારણા આપવામાં આવી હતી, વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેનો રીપોર્ટ સમિતીને કરવા પણ સુચના આપવામાં આવી હતી.