મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પટેલ કોલોની વિસ્તારના એક વૃદ્ધનું સ્વાઈન ફ્લૂની બીમારીથી મૃત્યુ નીપજ્યું છે. જ્યારે જામનગર સહિત જિલ્લાભરના વધુ ૧૧ દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. સવા માસના ગાળામાં સ્વાઈન ફ્લૂએ છઠ્ઠા દર્દીનો ભોગ લીધો છે.

જામનગર શહેરમાં સ્વાઇન ફલુનો કહેર અવિરાય રહ્યો છે. ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં 59 વર્ષના એક વ્યકિતનું રાજકોટની સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ મૃત્યુ થતા શહેરનો મૃત્યુ આંક ગત એપ્રીલથી ડીસેમ્બર સુધીમાં 3 નો થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી માસમાં જામનગર જીજી હોસ્પિટલમાં પોરબંદરથી અત્રે ખસેડાયેલ રાનીબેન ઓડેદરા ઉંવ 25 નામની સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને લઈને તબીબો દ્વારા તેણીની આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે આજે તેણીએ દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ એક-એક દિવસના અંતરે બે દર્દીઓના મૃત્યુ થયા હતા. આમ જાન્યુઆરી માસમાં ચાર મૃત્યુ બાદ આ મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ એક દર્દીને સ્વાઈન ફલૂ ભરખી ગયો હતો.

ઠંડીનું પ્રમાણ સતત રહેતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો ચાલ્યો છે. ગઈ કાલે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દર્દીનું આકે આઈસોલેસન વોર્ડમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. હાલ જીજી હોસ્પિટલમાં જામનગર શહેર જિલ્લા તેમજ પોરબંદર પંથકના કુલ ૧૫ દર્દીઓ સારવાર લઇ રહયા છે. જેમાંથી ૧૧ દર્દીઓ પોઝીટીવ છે જ્યારે અન્ય પાંચ દર્દીઓ શંકાસ્પદ છે. સતત પડતી ઠંડીના કારણે સ્વાઈન ફ્લૂના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે.