મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામના ખેડૂતે કુત્રિમ અને કુદરતી પદ્ધતિનો સમન્વય કરી સિંચાઈની નવી ટેકનીક વિકસાવી છે, હજુ તો માત્ર ખેતર બહાર પાણી નીકળ્યા છે એવો વરસાદ પડ્યો છે છતાં પણ આ આધુનિક ખેડૂતના દાવા મુજબ હવે જો એક  પણ વરસાદ ન પડે તો પણ ખરીફ પાકની સિંચાઈ કરી મબલખ પાક મેળવી શકશે, એવી કઈ ટેકનીક છે ચાલો જાણીએ 

આધુનિક ખેતી પધ્ધતીના સહારે ગામડાનો ખેડૂત મબલખ પાક લેતો થયો છે. પરંતુ સૌરાષ્ટ્રની મોટાભાગની ખેતી સુકી ખેતી છે એટલે ખેડૂતે ફરજીયાત વરસાદ પર નિર્ભર રહેવું પડે છે. સિંચાઈની પર્યાપ્ત સુવિધાઓ ન હોવાના કારણે જામનગર જીલ્લા સહિતના ખેડૂતોએ કુદરતના ભરોસે રહેવું પડે છે પરંતુ કાલાવડના મોટા ભાદુકીયા ગામના એક ખેડૂતો સિંચાઈનો તોડ મેળવવા પ્રયાસ કર્યો છે. પોતાના ખેતરમાં રહેલા ૧૨૫ ફૂટ કુવાને જમીનથી દસેક ફૂટ સુધી સિમેન્ટ કોન્ક્રીટથી બાંધી દીધો છે. જે બાંધકામમાં ફરતે દસ થી પંદર જગ્યાએ અડધાથી એક ઇંચના પાઈપ મુક્યા છે, જેથી વરસાદ આવે એટલે જમીન પરનું પાણી તુરંત આ પાઈપના સહારે સીધું કુવામાં પડે છે અને થોડા વરસાદમાં પણ  વરસાદી પાણી કુવામાં સંગ્રહી ખરીફ પાકને સિંચાઈ માટેની ચોક્કસ અને સુચારુ વ્યવસ્થા ઉભી કરી છે.

તાજેતરમાં અહી થોડો વરસાદ પડ્યો જેને લઈને ખેતરનું પાણી ખેતરમાં જ રહે તેવી પદ્ધતિ દ્વારા આ ખેડુતે કુવો રીચાર્જ કરી લીધો છે. કદાચ કુદરત રૂઠે તો હવે કમસે કામ ખરીફ પાકને સિંચાઈ કરી સકાય એટલું વરસાદી પાણી સંગ્રહી લેવામાં આવ્યું છે એવો ખેડૂતનો દાવો છે. કુદરતી અને કુત્રિમ પધ્ધતીના સમન્વયથી તૈયાર કરાયેલ આ પદ્ધતિ હાલ જામનગર જીલ્લામાં સારી એવી પ્રસિદ્ધ પામી છે. કેવી છે આ પદ્ધતિ જુઓ વીડિયો…