મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં એક વર્ષ પૂર્વે ખંભાળિયા નાકા બહાર આવેલ એક ડોક્ટરના રહેણાંક બંગલામાં થયેલ ચોકીદારની કરપીણ હત્યામાં સંડોવાયેલો આરોપી આજે કોર્ટ નજીકથી સઘના જાપ્તા દરમિયાન નાશી જતાં સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાને લઇને એસ.ઓ.જી, એલ.સી.બી પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે અને શહેરભરમાં ઉપરાંત ધોરીમાર્ગ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.

જામનગરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ ડો.બક્ષીના બંગલામાં ચોકીદારી કરતાં એક ચોકીદારની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ હત્યા ચોકીદાર તરીકે રહેલાં અન્ય એક બિહારના શમસ્તીપુર જિલ્લાના અને જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે દરગાહની બાજુમાં રહેતાં સંજીત સત્યનારાયણ રામઅવતાર ચૌધરી નામના શખ્સે લૂંટના ઇરાદે કરી હોવાની આશંકા જતાવવામાં આવી હતી.

દરમિયાન પોલીસ દ્વારા જે-તે સમયે લૂંટમાં ગયેલ કાર અને ફરાર થઇ ગયેલ ચોકીદાર અંગેના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં અમદાવાદથી ઉપરોક્ત આરોપીને પોલીસે કાર સાથે પકડી પાડ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરી, ચાર્જશીટ રજૂ કર્યું હતું. દરમિયાન કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો હતો.

આ કેસની મુદ્દત અર્થે આજે આરોપીને પોલીસ જાપ્તા હેઠળ જામનગર કોર્ટ લઇ આવવામાં આવ્યો હતો. જ્યાંથી આરોપી જાપ્તામાંના પોલીસકર્મીઓને હાથતાળી આપી નાશી ગયો હતો. આ ઘટનાને લઇને કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઇ હતી. જિલ્લા પોલીસવડાના આદેશના પગલે એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવા નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.