મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગીંગ સંદર્ભે અજ્ઞાત સખ્સ દ્વારા ઉચ્ચ સ્તરે કરવામાં આવેલ મેઈલ બાદ સનસનાટી મચી જવા પામી હતી. તાત્કાલિક એન્ટી રેગીંગ કમિટીની મીટીંગ બોલાવી તપાસ કરવામાં આવતા હાલ અજ્ઞાત વ્યક્તિ સામે નહિ આવતા રેગીંગની ઘટના પરથી છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. કામના ભારણ અને સીનીયર ડોક્ટર્સનો જુનીયર સામે વાણી વિલાસ સંદર્ભે કરવામાં આવેલ ફરિયાદમાં મેડીકલ કોલેજ ડીન દ્વારા કામના ભારણનો સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ રેગીંગ જેવી ઘટના નહિ ઘટી હોવાનું જાણવું છે.

એમપી શાહ મેડીકલ કોલેજ રાજ્યમાં તબીબી અભ્યાસને લઈને અગ્ર સ્થાન ધરાવે છે. દર વર્ષે અહીંથી અનેક નામી તબીબો પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી કેરિયરની શરૂઆત કરે છે. અહીની કોલેજમાં અભ્યાસ દરમિયાન સીનીયર વિદ્યાર્થીઓ તરફથી જુનીયર વિદ્યાર્થીઓની રેગીંગના નામે પજવણીના સમયાન્તરે બનાવો બનતા  રહ્યા છે. અમુક સામે આવ્યા પણ છે. કોલેજના રેડિયોલોજી વિભાગમાં રેગિંગની ઘટનાની ફરિયાદ સામે આવતા વધુ એક વખત કોલેજ ચર્ચાના એરણે આવી છે. જામનગરની મેડીકલ કોલેજમાં રેગીંગની ઘટનાને લઈને સ્થાનિક પ્રસાસન હરકતમાં આવ્યું હતું. એન્ટી રેગીંગ રેડ્યુસ હેલ્પ લાઈન પરથી મેડીકલ કોલેજના ચીફ વોર્ડનને એક  મેઈલ આવ્યો હતો. જેમાં રેડીઓલોજી વિભાગમાં સીનીયરો રેસીડેન્ટ તબીબો  દ્વારા જુનીયર રેસીડેન્ટ તબીબો  પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

વધારે પડતું કામ અને અપ-શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની રાવ મેઈલ માં કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક કોલેજની એન્ટી રેગીંગ કમિટી હરકતમાં આવી હતી....સવારે ઈ-મેઈલ મળ્યા બાદ બપોરે કમિટીની મીટીગ મળી હતી. જેમાં રેડીયોલોજી વિભાગના સીનીયર-જુનિયરના તબીબી છાત્રોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પરંતુ કોઈ વિદ્યાર્થી તરફથી ફરિયાદ કરવામાં આવી ન હતી. આ મીટીંગની મીનીટસ રેગીંગ સેલને મોકલી દેવામાં આવી છે. રેગિંગના આરોપને લઈને તાત્કાલિક મીટીંગ મળી. જેમાં કોઈ તથ્યો સામે આવ્યા નથી એવો તાત્પર્ય સામે આવ્યો છે. એક મેડીકલ કોલેજ તરફથી સતાવાર જાહેર કરવામાં આવ્યુ છે. રેગીંગની ઘટનાને નકારતો રીપોર્ટ દિલ્હી રેગીંગ સેલને મોકલવામાં આવશે એમ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. કોલેજના ડીન નંદીની દેસાઈએ રેગીંગની વાત નકારી છે પરંતુ કામના ભારણનો સ્વીકાર કર્યો હતો. જે વ્યક્તિએ મેઈલ કર્યો છે તે સામે નહિ આવતા હાલ રેગીંગની ઘટનાનો છેદ ઉડી ગયો છે.