મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર નજીક કરોડો રૂપિયાની કિંમતવાળી ખેતી લાયક જગ્યા પર કબ્જો જમાવવા અને માલિકી હકક માટેના ચાલતા વિવાદ વચ્ચે શનિવારે વાડીએ પહોંચી જામનગરના જાણીતા બિલ્ડર સહિતના દસ શખ્સોએ જમીનના કબ્જેદાર મેર પરિવાર સામે બિભત્સ વાણી-વિલાસ આચરી ભયનું વાતાવરણ ઊભુ કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે. 

જામનગર નજીક ખોજા-બિરાજા ગામના સર્વે નંબરમાં આવેલી 80 વિઘા જમીનને લઇને વિવાદ છેડાયો છે. છેલ્લા 35 વર્ષથી આ જમીન વાવતા મેર પરિવાર અને મુળ માલિકે વેચેલી જમીનના ખરીદનાર સહિતના શખ્સો સામે કાનુની જંગ છેડાયો છે. મોટા ઔદ્યોગિક એકમો અને સિંચાઇની સુવિધા વાળી આ જગ્યાની બજાર કિંમત કરોડો રૂપિયામાં આવી રહી છે. ત્યારે જમીનના મુળ માલિક એવા મહાજન પરિવારે આ જમીન જામનગરના ગાંડુભાઇ પટેલની પુત્રવધુને વેંચી વેંચાણ દસ્તાવેજ કરી આપ્યા હતાં. બીજી તરફ કબ્જેદાર મેર પરિવાર આ જમીન ખાલી નહીં કરતા બન્ને પક્ષના કાનુની વિવાદ થયો છે. હાલ આ પ્રકરણ કોર્ટમાં સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

તે દરમ્યાન ગત શનિવારના રોજ જામનગરના જાણીતા બિલ્ડર જમન ફળદુ, ઇકબાલ એરંડીયા, ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા બહાદુરસિંહ અને નિકુજ ગઢવી નામના શખ્સો સહિતના 10 થી 15 જણા સાંજે પાંચેક વાગ્યે વાડીએ દોડી જઇ બળજબરીપુર્વક જમીનનો કબ્જો લેવા પ્રયાસો કરી, મેર પરિવારની મહિલાઓને ભયમાં મુકી ગુંડાગીરી આચરી હતી. જેને લઇને વેજીબેન રાજુભાઇ મોઢવાડીયા અને શાંતિબેન નામની બે મહિલાઓએ ભયના કારણે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે મોડે મોડેથી પંચકોશી બી ડીવીઝનમાં ઉપરોકત તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 143,144, 147,148,447,504, 354(એ) મુજબ ફરિયાદ નોંધી પીએસઆઇ એમ.આર.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.