મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર:  આજના ઈન્ટરનેટ યુગના ફાયદા કરતા ગેરફાયદાઓ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ વધી રહ્યો છે. મહિલાઓની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ફરિયાદો સાયબર સેલ પાસે વધી રહી છે. જેમાં જામનગરની એક ટ્યુશન કલાસીસના સંચાલિકાના અર્ધનગ્ન ફોટો વાયરલ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરમાં દિગ્જામ મિલ નજીકની બાલાજી પાર્ક સોસાયટીના રહેવાસી અને ખાનગી ટ્યુશન કલાસીસ ચલાવતા એક પરપ્રાંતીય મહિલા તેના પતિ સાથે સી-ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં તેણે પોલીસને આપવીતી જણાવી હતી કે અલીખાન નામના કોઈ શખ્સે આ યુગલના અર્ધનગ્ન ફોટા ફેસબુક પર મૂકી દીધા હતા જેથી આ ફોટો વાયરલ થતા જ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. સાયબર ક્રાઈમના મામલે પોલીસે ગંભીરતા દાખવીને તુરંત તપાસ ચલાવી હતી. જેમાં અલીખાન નામના શખ્સે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટા ફરતા કર્યા છે. પછી અન્ય વ્યક્તિએ તે દિશામાં તપાસ ચલાવી હતી જેમાં પોલીસે સાયબર સેલની મદદ લઈને તપાસ આરંભી હતી અને બોગસ નામે ફેક આઈડી બનાવી પરપ્રાંતીય યુગલને બદનામ કરનાર શખ્સનો ચહેરો સામે આવ્યો હતો. ઢીંચડા રોડ પર વાયુનગરમાં રહેતો જીતેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ યાદવ નામના પરપ્રાંતીય શખ્સે આ ફોટો વાયરલ કર્યાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ગૂન્હો દાખલ કરી આરોપીને પકડી લેવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપી પોલીસના હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.