મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામના સરપંચે સરકારી ભંડોળ માંથી તલાટી કમ મંત્રીની સહીઓ કરી સવા ચાર લાખની રકમ ઉપાડી લઈ વાપરી નાખયાની ફરિયાદ નોંધાઈ છે.  

લાલપુર તાલુકા મથક નજીક આવેલ ખીરસરા ગામના વર્તમાન સરપંચ  તા.૫/૧૧/૧૮ થી ૨૫/૪/૧૯ના ગાળા દરમિયાન નરેશ હંશરાજ ધારવિયા સામે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ, સરપંચ નરેશભાઈએ ખીરસરા ગ્રામ પંચાયતના સ્વભંડોળ ખાતા અને ખીરસરા ગ્રામ પંચાયતના ૧૪મા નાણા પંચના ખાતામાં ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અતુલ રસિકભાઈ માકડિયાની બેંક ચેકોમા ખોટી સહીઓ કરી અથવા કરાવી ચેક બેંકમાં નાખ્યા હતા અને રૂપિયા ૪,૨૪,૩૬૧ની ઉચાપત કરી હતી.

બન્ને ખાતાઓના બેંક ચેકોમા ખોટી સહીઓ છે તેવુ પોતે જાણતા હોવા છતા ખરા તરીકે રજુ કરી બેંક ચેકો વટાવી સરકારી નાણાની ઉચાપત કરી હોવાનું તલાટીના ધ્યાને આવ્યું હતું. જેને લઈને તલાટીએ ગઈ કાલે આરોપી સરપચ સામે લાલપુર પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ જે બી ખાંભલાએ તપાસ હાથ ધરી છે.