મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: ખંભાળિયાના એક યુવાને બે શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધીની ઘટના બની હતી. જે કેસમાં બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. આ યુવાને ગળાફાંસો ખાઈ લેતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી અને એક વિડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આરોપીઓના નામ સ્પષ્ટ  રીતે ઉચ્ચારી આ શખ્સો જ પોતાની આત્મહત્યા પાછળ કારણભૂત હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (વીડિયોમાં કાયદાથી સંઘર્ષિત કિશોરનું નામ આવતું હોઈ તે સંદર્ભના કાયદાને ધ્યાને રાખી અહીં તે વીડિયો દર્શાવ્યો નથી)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વીડિયોએ ભારે ચકચાર મચાવ્યો હતો જેની પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયા શહેરમાં રહેતા રઘુવંશી દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાને ગળાફાંસો ખાતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી અને આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી તેને સોશિયલ મિડિયા પર વહેતો કર્યો હતો. વીડિયોમાં આ યુવાને ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા ત્રાસ અપાતો હોવાની વાત કરી છે. ગળાફાંસાથી શ્વાસ રુંધાઈ જવાના કારણે દિલીપભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેઓની લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબ્જે લીધી છે. 

Advertisement


 

 

 

 

 

મૃતકે અંતિમ ક્ષણોમાં વિડિયોમાં જણાવ્યા મુજબ તેણે થોડા સમય પહેલા સંજય નાથા ચોપડા, દેવા નાથા ચોપડા અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર સાથે કોઈ બાબતે માથાકૂટ થયા પછી દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર છે. જેની ગઈ તારીખ સત્તરના દિને મુદ્દત હતી. તે પહેલા રાત્રે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ અને કાયદાથી સંઘર્ષિત કિશોર દિલીપભાઈના ઘેર આવ્યા હતા અને તેઓએ અદાલતમાં તેઓની વિરૃદ્ધ જુબાની આપશે તો ફરીથી હાથપગ તોડી નાખીશું તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત ધમકી પછી ડરી ગયેલા અને પોતાની સ્થિતિથી કંટાળી ગયેલા દિલીપભાઈએ રવિવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે ઉપરોક્ત વીડિયો બનાવ્યા પછી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જેમાં વધુમાં જણાવ્યા મુજબ આ યુવાને પોતાની પાસે પૈસા કે બીજી કોઈ વસ્તુ ન હોવાનો પણ વસવસો વ્યક્ત કર્યો છે. ગઈકાલે ઉપરોક્ત બનાવ પ્રકાશમાં આવ્યા પછી પોલીસે તાત્કાલિક હરકતમાં આવી આરોપીઓની અટકાયત કરી લઈ કોરોના ટેસ્ટ માટે ખસેડયા છે. ડીવાયએસપી ચૌધરીના વડપણ હેઠળ પીઆઈ જુંડાલ તથા તેમની ટીમ તપાસ કરી રહી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલીપભાઈના લગ્ન 14 વર્ષ પહેલા જૂનાગઢ કરવામાં આવ્યા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી છે અને હાલમાં તેઓના પત્ની રીસામણે છે. મૃતકના ભાઈ સુનિલ ઉનડકટે પોલીસ સમક્ષ ફરિયાદની તજવીજ કરી છે.

Advertisement


 

 

 

 

 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]