મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર મહાનગર પાલિકાની હોદેદારો માટેની ચૂંટણી ૧૫ મી જુને થનાર છે. ખુરશીની રેસને લઇને હાલ રાજકીય ગરમાવો આવ્યો છે.અઢી વરસ સુધી ખુરશી કબજે કરવા અનેક મોટા માથા મેદાને આવી ગયા છે. ભાજપશાસિત જામનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પદ મેળવવા સિનિયર અને જુનીયર કોર્પોરેટર્સ ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે.બીજી તરફ એક વાત નિશ્ચિત છે કે જે નગર સેવક જામનગરના ધારાસભ્ય અને વર્તમાન  કેબીનેટ મંત્રીની નજીક છે તે ખુરશી સુધી પહોચી જશે. તો એવું પણ ધ્યાને આવ્યું છે કે ચૂંટણી સમયે દિલોજાનથી મંત્રીની બાજુમાં ઉભેલા સનિષ્ઠ નગર સેવકોને પણ મંત્રી સમય ફળવાતા નથી. સિક્કાની બીજી બાજુ પર ધ્યાન કરીએ તો ધારાસભ્ય નહિ રહેલા અને એક સમયે કોર્પોરેશનમાં જેના પડતા બોલ જીલી લેવાતા હતા તે વસુબેન જૂથની આ વખતે કોઈ કિંમત નહિ રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી બાદ સાંસદ પૂનમ માડમની પણ કોર્પોરેશનને લઈને વધી ગયેલી સક્રિયતા પણ અમુક નગર સેવકોને ફળશે એવી આશા બંધાઈ છે.

સાડા છ લાખની વસ્તી ધરાવતા જામનગર શહેરમાં છેલા ૨૩ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ૧૬ વોર્ડ ધરાવતી મહાનગર પાલિકામાં અનેક ભાજપના નેતાઓએ શાસન ધુરા સંભાળી વહીવટ કર્યો છે. ત્યારે ગત ટર્મથી મહાપાલિકાના મેયરથી માંડી ખડી સમિતિ અધ્યક્ષ સુધીના હોદ્દાની મુદત અઢી વર્ષ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં હાલની બોડીનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે મહત્વના પદ મેળવવા ભાજપના સિનિયર અને જુનિયર કોર્પોરેટર્સમાં હોડ લાગી છે.

મહાનગર પાલિકાના રોટેશનની વાત કરવામાં આવે તો આવતી ટર્મમાં મેયર પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અનામત જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે  સામાન્ય બેઠક નક્કી કરવામાં આવી છે. મેયર પદને બાદ કરતા અન્ય પદ પર ભાજપમાંથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પસંદગીને લઈને સિનિયર અને જુનિયર કોર્પોરેટર પોત પોતાના કદ પ્રમાણે લોબિંગ કરવામાં લાગી ગયા છે.


મહાનગર પાલિકા માં મેયર પદ માટે  આ વખતે ઓબીસી અનામત છે. જેથી આહિર સમાજના અને ભાજપના જુના કાર્યકર મેરામણ ભાટુનુ નામ રેસમાં આગળ ચાલે છે. સિનિયર નગર સેવક અને જનસંઘ સાથે સંકળાયેલા ભાટુ અગાઉ બે વખત સ્ટેન્ડિંગ ચેરમેનની જવાબદારી સફળતા સાંભળી છે. ઉપરાંત ગત વિધાનસભાની જામનગર ૭૯ બેઠકના ઇન્ચાર્જ રહી ચુક્યા છે. આ બેઠક ભાજપાએ આ જ દિવસમાં કોઈ ઉમેદવારે ન મેળવી હોય એટલી બહુમતીથી જીતી લીધી, આ જીતના હીરો તરીકે મેરામણ ભાટુ ઉભરી આવ્યા અને ચૂંટણી બાદ તેમનું કદ એકાએક વધી ગયું છે. તેથી મેયરની રેસમાં ભાટુ સૌથી આગળ છે. તો બીજી તરફ બીજુ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થાય તે પૂર્વે વર્તમાન સાંસદ પૂનમ માડમ પણ સક્રિય થયા છે. કોર્પોરેશન પરીસરમાં થતી ચર્ચા મુજબ તેઓ પોતાના જ કુટુંબી નગર સેવક પ્રવિણ માડમને લઈને ગાંધીનગરથી માંડી છેક દિલ્લી સુધી લોબિંગ કરી રહ્યા છે. તો સિક્કાની બીજી બાજુ ચકાસતા નગર સેવક માડમ ગત વિધાનસભામાં નિષ્ક્રિય રહ્યા હતા, પોતાનો મત વિસ્તાર કેબિનેટ મંત્રીવાળી બેઠકમાં આવતો હોવાથી બની સકે આર સી ફળદુ માડમને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરે, તેથી તેમના માટે મેયર પદ હાલ તો કપરું ચઢાણ પણ છે.

મેયર તરીકે ભોય જ્ઞાતિના સિનિયર નગર સેવક હસમુખ જેઠવાનુ પણ નામ ચર્ચામાં છે. ૧૮ વરસ પૂર્વે મેયર રહી ચુકેલા આ નગર સેવકને ત્યારબાદ એક પણ મહત્વનો હોદ્દો અપાયો નથી. જેઠવાએ ગત વિધાનસભામાં પોતાના વોર્ડમાંથી ભાજપને મહતમ સરસાઈ અપાવી હતી.જેઠવા પણ આરસી ફળદુની નજીકના માનવામાં આવે છે. તો બીજી તરફ તાજેતરમાં  કોળી અને ભોય જૂથ વચ્ચે થયેલ જૂથ અથડામણને લઈને જેઠવાની છબી પર નકારાત્મક અસર થઈ હોવાથી. આ પરિબળ નડતરરૂપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેયર તરીકે ભાજપના સિનિયર નગર સેવક કરસન કરમુરની દાવેદારી પણ પ્રબળ માનવામાં આવે છે. આહીર જ્ઞાતિના પ્રમુખ ઉપરાંત પોતાના વોર્ડમાં ગ્રાઉન્ડ જીરોની કામગીરીના કારણે લોકપ્રિય રહ્યા છે. અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂકેલ કરમુરની ખુદ પક્ષમાં અવગણના સર્વ સામાન્ય છે. વિધાનસભા વખતે કરમુરની નારાજગી અને પક્ષ સામે કરેલ બળવાને લઈને તેમની શક્યતા પર વિધ્ન ઉભું કરી શકે છે. કરમુર પણ સાંસદ માડમની નજીકના હોવાનું ચર્ચાઈ  રહ્યું છે.

મહાનગર પાલિકામાં ડેપ્યુટી મેયર પણ અગત્યનું ગણવામાં આવે છે. જામનગરમાં આ પદ મહિલા માટે અનામત હોય તેવો માહોલ ઉભો કરી દેવાયો છે. ડેપ્યુટી મેયર પદ માટે મહિલા કોર્પોરેટની પસંદગી થાય તેવી શકયતા જણાઈ રહી છે. આ પદ માટે ડીમ્પલબેન રાવલ, પ્રફુલાબેન જાની, મેધનાબેન હરીયા, બીનાબેના કોઠારીનુ નામ ચર્ચા છે. ભાજપની પ્રણાલી મુજબ બની શકે આ પદ માટે પૂરૂષ નગર સેવકની પણ પસંદગી થઇ સકે તો નવી નહિ કેમ કે ભાજપની મેન્ડેટને લઈને કૈક નવું કરવાની પરંપરા રહી છે. આ પદ માટે અમુક મહિલા નગર સેવકોના પતિ દેવ હાલ ગાંધીનગર સુધીના ચક્કર લગાવી ચુક્યા છે. 

દરેક મહાનગર પાલિકા માટે સૌથી અગત્યનું અને ક્રીમ પદ હોય તો તો છે, સ્ટેડીંગ કમીટીના ચેરમેનનું. કારણ કે આ હોદ્દેદારે પોતાના હોદાની રુએ મહવના કામોને બહાલ કરવાના હોય છે. આ પદ માટે હાલ પ્રથમ નામ, એક વખત આ પદે રહી ચુકેલા દિવ્યેશ અકબરીનું ચર્ચાઈ રહ્યું છે. ગત વિધાનસભા વખતે કેબીનેટ મંત્રી ફળદુને જીતાડવા કરેલ મહેનત અને પાટીદાર યુવા નેતા તરીકેની લાયકાત તેમના માટે પ્લસ પોઈન્ટ સાબિત થઇ શકે છે. બીજી તરફ પ્રથમ વખત ચુટાયેલા અને જનસંઘ સાથે જોડાયેલા અરવિદ સભાયા પણ આ પદના દાવેદાર ગણવામાં આવે છે. તેમનું નામ પણ આ પદ માટે આગળ છે. બીજી તરફ જ્ઞાતિના ફેક્ટરને બેજ બનાવી પસંદગી કરવામાં આવે તો ભાનુસાળી જ્ઞાતિના કેતન નાખવા અને એક વખતના ખડી સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા દિનેશ ગજરાને પણ તક મળી શકે.

વિધાન સભાની ચૂંટણી પૂર્ણ થઇ ગયાના ટૂંકામાં કેબીનેટ મંત્રી રણછોડ ફળદુ પ્રત્યે કાર્યકરો અને સ્થાનિક સંગઠનમાં અસંતોષ શરુ થયો છે. મંત્રી બની ગયેલા ફળદુ કોઈ કાર્યકરોનો ફોન રીસીવ નથી કરતા કે નથી વગદાર કામ કરતા, શહેરમાં ચાલતી આવી ચર્ચાઓ વચ્ચે એ પણ નીચ્ચિત છે કે હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપા હાઈ કમાન્ડ ફળદુની રાય જરૂર લેશે, કેમકે ડે.સીએમ પટેલના બદલાયેલા તેવર અને  નજર સામે જ લોકસભાની ચૂંટણી પણ છે. ત્યારે મેયરની પસંદગીને લઈને મંત્રી ફળદુ, સાંસદ માડમ અને પૂર્વ મંત્રી વશુબેન ત્રિવેદીનું કદ ચોક્કસ  મપાય જશે. ત્યારે પક્ષ આ વખતે ક્યાં નગર સેવકના આ ત્રણેય નેતાઓ સાથે સુમેળ ભર્યા સંબંધો છે તે પણ ખાસ ધ્યાને લેશે. આખરે કોઈ નેતાની નારાજગી ભવિષ્યમાં પક્ષ માટે મોટી નુકશાની ઉભી કરી શકે છે. 

હોદ્દેદરોની વર્ણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિનિયર નગર સેવકોએ ગાંધીનગરથી માંડી દિલ્લી સુધી લોબિંગ કરવામાં કચાશ રાખી નથી તો જુનીયર નગર સેવકો પણ પોતાની પહોચ પ્રમાણે વગનો ઉપયોગ કરવામાં લાગી ગયા છે. અનેક કોર્પોરેટરો ખુરસીની સાથે કારના સપના સેવતા થયા છે અને પક્ષના નેતાના કાનમાં પોતાની સારી છાપની વાત પહોચાડી રહ્યા છે. જોવાનુ રહ્યુ પક્ષ કોની તરફદારી કરે છે ? કોને સતાની કમાન સોંપે છે. કોને તાજ આપે છે ? બીજી બાજુ હોદેદારોની પસંદગી બાદ ભાજપામાં અસંતોષનો માહોલ જોવા મળશે એ ચોક્કસ વાત છે ત્યારે ગરમાયેલા રાજ્કારણને લઈને શહેરભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કોણ બનશે ગાદી પતિ ? બસ જરા રાહ જુઓ 15 મી જુને જ ભાજપા હાઈકમાંડ દ્વારા અંતિમ નામ પર મહોર મારવામાં આવશે.