મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર: જામનગરમાં આજે કોંગ્રેસ અને મહાનગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજયા હતાં.

આજે સવારે 11 વાગ્યે લાલબંગલા સર્કલ ખાતે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી તે બાબતનો વિરોધ કરાયો હતો. આ બાબતે આજે જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષ (કોંગ્રેસ)ના કોર્પોરેટરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પેટ્રોલ-ડિઝલનાા ભાવ વધારાથી સામાન્ય લોકો પણ મુશ્કેલી અનુભવતા હોય તેને વાચા આપવા એક બાઇકની નનામી બનાવાઇ હતી અને કોંગી કોર્પોરેટરો-કાર્યકરોએ છાજીયા લીધા હતાં. કોર્પોરેટર યુસુફ ખફીએ પેટ્રોલ વગરની ગાડી ખેંચી લોકોનું બજેટ ખોટવાઇ જતું હોવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, કોર્પોરેટર, યુસુફ ખફી, દેવશી આહિર, નીતાબેન પરમાર, જેનબ ખફી, શિતલબેન વાઘેલા, પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઇ અમેથિયા, દિગુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જેઠવા વિગેરે જોડાયા હતાં.

બીજો કાર્યક્રમ જિલ્લા પંચાયત પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો. લોકો ઇંધણનો ખર્ચ સહન નહી કરી શકે તો સાંઢીયા ગાડીમાં નિકળવા મજબુર થશે તેવો સંદેશો આપવા કોંગી આગેવાનો સાંઢીયા ગાડીમાં આવ્યા હતા અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી રેલીરૂપે ટાઉન હોલ સુધી ગયા હતાં.

જિલ્લા કોંગ્રેસના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલ, પૂર્વ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, જિ.પં.સભ્ય હેમતભાઇ ખવા, પ્રવકતા ભરતભાઇ વાળા, ડો. જયેશ પંડયા, પૂજાબેન કેવલીયા, રેખાબેન રાવલ, લલીતભાઇ પટેલ તથા અન્ય કાર્યકરો જોડાયા હતા.