મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર:  જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલ રાજપૂત સમાજ હોસ્ટેલમાં મંજુરી વગર પ્રવેશેલા ચાર શખ્સોએ મંજુરી ન હોવા છતાં યુવા સંગઠનની મીટીંગ અને હોદ્દેદારોની નિમણુંક બાબતે મીટીંગ કરવા દાદાગીરી વર્તી બિલ્ડીંગ અને ઓફીસમાં પ્રવેશી તોડફોડ કરી રૂા.12 હજારની લૂંટ ચલાવ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. સામાજિક ગંભીરજનક ગુન્હાને લઇને જિલ્લા પોલીસ વડાએ આ પ્રકરણની તપાસ એલસીબીને સોંપી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર હૈયાત સંગઠનની બોડી સામે આ ચારેય શખ્સોએ કોઇને વિશ્ર્વાસમાં લીધા વગર નવી બોડીનું નિર્માણ કરી કબ્જો જમાવવાનો પ્રયાસ કર્યો છે.

જામનગરમાં રાજપૂત સમાજ સહિત શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ શહેરના લાલબંગલા સર્કલ પાસે આવેલ રાજપૂત સમાજ હોસ્ટેલમાં રૂષીરાજસિંહ દીલીપસિંહ જાડેજા રહે. મોડા ગામ તા.જી. જામનગર દીલીપસિંહ જેઠવા ધંધો પાણી પુરવઠામા નોકરી, પી.એમ.જાડેજા રહે દલતુંગી ગામ તા.લાલપુર જી.જામનગર, હિતેન્દ્રસિંહ જાડેજા રહે.જામનગર નામના શખ્સો તા.29મીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે યુવા સંગઠનની મીટીંગ કરવી છે એમ કહી અંદર પ્રવેશ્યા હતાં. જોકે આ મીટીંગ બાબતે ચારેય શખ્સો પાસે મંજુરી ન હોવાથી ગૃહપતિ રવિરાજસિંહ ઓઘુભા ચુડાસમાએ ચારેયને રોક્યા હતાં. જેને લઇને ચારેય શખ્સોએ અપશબ્દો બોલી સમાજની બિલ્ડીંગમાં તેમજ ઓફીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ટેબલ, ખુરશી અને ઓફીસની લાઇટો તોડી તેમજ કબાટનું બારણું ખોલી સામાન વિરવિખેર કરી નાખી, કબાટમાંથી રૂા.12 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં.

આ બનાવ અંગે ગૃહપતિએ ચારેય શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 392, 447 અને 427 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની સામાજીક ગંભીરતાને ઘ્યાને રાખી જિલ્લા પોલીસવડાએ એલસીબીને તપાસ સોંપી દીધી છે. જેને લઇને એલસીબી પીએસઆઇ કે.કે. ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજપૂત સમાજ દોડી જઇ ઘટના અંગે પુરાવા એકત્ર કરવા સીસીટીવી ફુટેજ કબજે કરવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં હજુ વધુ શખ્સોની સંડોવણી ખુલવાની શકયતા સેવાઇ રહી છે.