મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં મોમાઈનગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે વ્યાજ ખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળી ગામ છોડવા મજબુર થતા સનસનાટી મચી જવા પામી છે. એક વ્યાજખોર પાસેથી લીધેલી મૂડી ચૂકતે કરવા અન્ય વ્યાજખોરની મદદ લેતા કારખાનેદાર બે મહિલા સહીત 18 શખ્સોના વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો હતો. એકબીજા પાસેથી લીધેલી રકમનો આંક એક કરોડ પહોંચી જતા અને આ મૂડી પર 10 થી 12 ટકા વ્યાજ આપવું અશક્ય બનતા તેમજ વ્યાજખોરોના સતત દબાણ અને ત્રાસના કારણે કારખાનેદારે ઘર છોડ્યું હોવાનું સામે આવ્યું છે. ઘર છોડતાં પૂર્વે વ્યાજખોરોના ત્રાસ અંગે એક ચિઠ્ઠી પણ લખી હોવાની વિગતો સામે આવી છે. નોટબંધી અને જીએસટીની અમલવારી બાદ મોટા સોદાઓનું પેમેન્ટ અટવાઇ જતાં કારખાનેદાર ફસાઇ ગયા હતા અને વ્યાજખોરોનો સહારો લીધો હતો.

જામનગરમાં સમયાંતરે વ્યાજખોરોની ફરિયાદો પોલીસ દફતરે નોંધાતી આવી છે. બળુકા વ્યાજખોરોના ત્રાસથી અનેક વ્યક્તિઓએ આપઘાત સુધીના પગલા ભરી લીધા છે. છતાં પણ કાયદાની આટાઘુટીને આસાનીથી પાર કરી આ જ વ્યાજખોરો બજારમાં આવી જતા હોય છે. જેથી અવારનવાર આવા બનાવો બનતા જ રહ્યા છે. જીલ્લા પોલીસ વડાએ વ્યાજખોરી રોકવા સીટની રચના કરી છે. જેને લઈને છેલા દોઢ માસમાં વ્યજખોરીની અડધો ડજન ફરિયાદ પોલીસ દફતર પહોંચી છે. આ પ્રકરણોની તપાસ ચાલુ છે ત્યાં વધુ એક ફરિયાદ સામે આવી છે.

જેની વિગત મુજબ, શહેરના મોમાઈનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસના ધંધા સાથે સંકળાયેલા નીલેશ બળવંતભાઈ કારોલીયાએ પોતાના ધંધાના વિકાસ અર્થે જરૂરિયાત મુજબ એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ આસામીને વ્યાજ અને મૂડી ચૂકતે કરવા નીલેશભાઈએ અન્ય વ્યાજખોરનો સંપર્ક કરી અમુક રકમ વ્યાજે લીધી હતી. આમ એક બીજા વ્યાજખોરો પાસેથી મૂડી વ્યાજે લેતા કુલ આકડો એક કરોડ પહોંચી ગયો હતો. એક પછી એક એમ 18 શખ્સો પાસેથી 10 થી 12 ટકાના વ્યાજ દરે લીધેલી મૂડીનું એક મહિનાનું 10 થી 12 લાખ રૂપિયા વ્યાજ ચુકવવું અશક્ય જેવું બની ગયું હતું.

બીજી તરફ વ્યાજ અને મુદ્દલ માટે વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણી સતત વધી જતા કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારજનોએ સમયસર સારવાર અપાવતા નીલેશભાઈને ફરી જીવનદાન મળ્યું હતું. આમ છતાં પણ વ્યાજખોરોની પઠાણી ઉધરાણી અને ત્રાસ એ જ રીતે અવિરત રહેતા આખરે 12 દિવસ પૂર્વે કારખાનેદારે એક ચિઠ્ઠી લખી ઘરેથી કયાંક ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ 10 દિવસ સુધી નીલેશભાઈની શોધખોળ કરવા છતાં તેઓનો કોઈ સંપર્ક થયો નથી. આ બાબતને લઈને તેના ભાઈ તેજસએ સીટી બી ડીવીજન પોલીસમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજભા, ધમાભાઇ આહીર, મહેન્દ્રસિંહ ભુપતસિંહ, પદુભા જાડેજા, ભરતસિંહ સ્કુલવેન વાળા, અરવિંદભાઈ લુહાર, સિદ્ધરાજસિંહ, કંચનબા હસ્તે ગીરૂભા જાડેજા, જેન્તીભાઈ વસોયા, નીતિનભાઈ વાણીયા, જગદીશભા જાડેજા, જોરુભા જાડેજા, પીયુષ જાડેજા, સુભાષ ભાનુસાળી, રમાબેન, છત્રપાલસિંહ, સુખુભા અને પરાક્રમસિંહ સહિતના સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસ કરતા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એચ.બી. ગોહીલના જણાવ્યા અનુસાર નોટબંધી વખતે અને જીએસટીની અમલવારી કારખાનેદાર નિલેષભાઇએ કરેલા વ્યાપારમાં મોટી રકમ ફસાઇ ગઇ હતી. બીજી તરફ વ્યવસાય ચાલુ રાખવા વ્યાજખોરોનો સહારો લઇ રકમ વ્યાજે લીધી હતી. જેના વીષચક્રમાં તેઓ સતત ફસાતા જ ગયા અને એક માસ પૂર્વે તેઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પણ વ્યાજખોરોનો ત્રાસ અવિરત રહેતા તેઓએ એક ચીઠ્ઠી લખી ઘર છોડ્યું હતું. ચીઠ્ઠીમાં લખ્યા મુજબ દેણું વધી જતા વ્યાજખોરોને જવાબ નહીં આપી શકતા ઘર છોડી આપઘાત કરવા જઇ રહ્યો છું એમ એમ નોંધ્યું છે. ઉપરાંત આ લોકોના ત્રાસના કારણે અંતિમ પગલું ભરતો હોવાનો ચીઠ્ઠીમાં આરોપ લગાવ્યો છે. પોલીસે વ્યાજખોરોની ઓળખ તથા વ્યાજખોરોને પકડી પાડવા તેમજ ગુમ કારખાનેદારને શોધી કાઢવા જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.