મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર એસટી તંત્રના એક કર્મચારીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. ઉપરી અધિકારીઓના ત્રાસથી ડ્રાઇવરે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. વિના કારણે ત્રણ ઉપરી અધિકારીઓએ મેમાં આપી સતત ત્રાસ આપી ડ્રાઇવરને નીચલી પાયરીએ ઉતારી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 

જામનગર એસટી બેડામાં ચકચારી બનેલ બનાવની વિગત મુજબ, જામ જોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા અને જામનગર એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા રઘુવીરસિંહ ભુરૂભા પરમાર ઉ.વ.૫૭  નામના કર્મચારીએ ગઈ કાલે બપોરે જામનગર એસ.ટી.ડીવીઝમાં જ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને એસટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે રઘુવીરસિંહને  તુરંત જીજી હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં તબીબોએ તેઓને તુરંત સારવાર શરૂ કરી હતી.આ બનાવના પગલે  સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી ગયો હતો.

દરમિયાન પ્રૌઢ એસટી કર્મચારીના ખિસ્સામાંથી એક મેમો અને બે પેજની એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જામનગર એસટી વિભાગના વિભાગીય નિયામક એમ.બી.રાવલ, મિલનકુમાર રાઠોડ, હિતેષભાઇ કોટેચાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ યેનકેન પ્રકારે ત્રાસ આપી બદલી, મેમાં આપી કામગીરી બાબતે સતત ત્રાસ આપતા હોવાથી પોતે આપઘાત કરી રહ્યા છે એવો ઉલ્લેખ એસટીકર્મીએ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી છે.

પોલીસે આ ત્રણેય અધિકારીઓ સામે ઇ.પી.કો. કલમ ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  ત્રણેય ઉપરી અધિકારીઓએ મેમા આપી નીચલી પાયરીમાં   ઉતારી નાખી, શારીરીક તથા માનસિક ત્રાસ આપી  જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા સબંધીત પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.