મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં રવિવારે રાત્રે મસ્કત જતી એરઇન્ડિયાની એક ફ્લાઈટનું જામનગરના એરપોર્ટ પર આપત્કાલીન લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. એરફોર્સના કબજાના જામનગરના એરપોર્ટમાં આ પ્રથમ ઘટના છે જેમાં કોઈ આંતરરાષ્ટ્રીય ફલાઈટનું ઉતરાણ થયું છે.

જામનગરમાં ગત રાત્રે એરપોર્ટ ઓથોરીટી અને એરફોર્સ તંત્રમાં ત્યારે દોડધામ મચી ગઈ જયારે એર ઇન્ડીયાના આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના વિમાને ઈમરજનસી લેન્ડીંગની પરમીશન માંગી, વિમાન અંદરના પાયલોટે જામનગર એરપોર્ટનો સંપર્ક કર્યો અને એર પોર્ટ ઓથોરીટીએ એરફોર્સ અને દેશના ડીફેન્સ વિભાગની રજા માંગી જેની મંજુરી મળી જતા એરઇન્ડિયાની ફલાઈટને તાત્કાલિક જામનગરના રનવે પર ઉતરાણ કરાવ્યું હતું.

દિલ્લી થી મસ્કત તરફ ઉડાન ભરેલ આ ફ્લાઈટમાં સવાર એક પેસેન્જરને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક કાર્ડિયાક સારવારની જરૂર પડી, સામાન્ય રીતે વિમાનમાં પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોય છે પણ ગંભરી કેશમાં ફરજીયાત નજીકના એરપોર્ટનો સંપર્ક કરવામાં આવે છે, જામનગરમાં લેન્ડ થયેલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી કાર્ડિયાક મુસાફરને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સારવાર આપવામાં આવી હતી. હાલ આ મુસાફરની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. બીજી તરફ દર્દીને ઉતારી ફ્લાઈટ રાત્રે જ ઉડાન ભરી મસ્કત તરફ રવાના થયું હતું. જામનગરમાં પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉતરાણ થયું છે.