મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં દસ દિવસના ગાળામાં એરફોર્સ જવાન સહીતના છ એસબીઆઈ ગ્રાહકોના ખાતામાંથી સાડા પાંચ લાખની રકમ બનાવટી એટીએમ વાટેથી ઉપડી ગયા હોવાની વિગતો પ્રકાસમાં આવી છે. કોઈ હાઈટેક ચિટર ટોળકીએ આચરેલ ઈ-છેતરપીંડીમાં પોલીસે અમુક શખ્સોને ઉઠાવી લીધા હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં સાઈબર ક્રાઈમની એકસાથે છ ઘટનાઓ સામે આવી છે. શહેરના ૨૨ દિગ્વિજય પ્લોટમાં મિસ્ત્રી ગેરેજની બાજુમાં રહેતા અને ઇન્ટીરીયર ડિજાઈનર તરીકે ધંધો કરતા અમીબેન કનખરાના એસબીઆઈના એટીએમ કાર્ડ વાટેથી દિગ્વીજય પ્લોટમાં આવેલ એસબીઆઈ બ્રાંચના એટીએમ સેન્ટર પરથી ગત તા. ૨૮મીના રોજ સવારે રૂપિયા ૨૦ હજારની રકમ ઉપડી ગઈ હતી. યુવતીના એટીએમ કાર્ડનું  ડુપ્લીકેશન કરી કોઈ શખ્સોએ ઠગાઈ કરવાના ઈરાદે ખોટું ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કરી આ સાયબર ક્રાઈમ કર્યું હોવાનું સામે આવ્યું છે.

જયારે આ જ રીતે તા. ૨૧/૧ થી ૨૫/૧ના ગાળા દરમિયાન રણજીત રોડ એસબીઆઈ બ્રાંચમાંથી પ્રવીણચન્દ્ર રણછોડભાઈ મહેતાના ખાતાના ડુપ્લીકેટ  એટીએમ કાર્ડ બનાવી ખાતામાંથી  રૂપિયા ૬૦ હજાર અને હેમંતભાઈ સુરેશભાઈ જોશીના ખાતામાંથી ૪૫ હજાર તેમજ પ્રવિણચંદ્ર નારણદાસ પ્રજાપતિના ખાતામાંથી રૂપિયા ૧૬,૫૦૦ની રોકડ રકમ ઉપાડી ઈ-છેતરપીંડી આચરી હતી.

જdયારે જામનગર એરફોર્સમાં નોકરી કરતા અને મેપ ક્વાટરમાં રહેતા અજયપાલસિંગ સુરજીતસિંગ વાલિયા નામના જવાન ઉપરાંત અન્ય એકના બેંક એટીએમનું જ ડુપ્લીકેશન કરી અજાણ્યા શખ્સોએ અનુક્રમે રૂપિયા ૧,૨૦૦૦૦ અને રૂપિયા ૨,૯૦,૧૧૫ની રોકડ મળી કુલ રૂપિયા ૪,૧૦,૧૧૫ની રોકડ રકમ ઉપાડી લીધી હતી. આ ટ્રાનજેક્શન તા. ૨૪મીની રાત્રે થયું હોવાનું પણ ફરિયાદમાં જાહેર થયું છે. આમ કુલ દસ દિવસના ગાળામાં કોઈ ટોળકીએ છ ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ૫,૫૧,૬૧૫ની રકમ ઉપાડી સાયબર ક્રાઈમ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદના આધારે એસઓજી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી એક સ્થાનિક સખ્સ સહિતની ટોળકીને ઉઠાવી લીધી છે. જેમાં આ છેતરપીંડી સંબંધિત મહત્વની કળીઓ મળી હોવાની વિગત્તો જાણવા મળ્યું છે.