મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં સતાધારી જૂથ અને વિપક્ષના સભ્યોએ એક સાથે એક સૂરથી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલ એજન્ડા પર ચોકડી મારી દેતા ડીડીઓ અને સભ્યો વચ્ચે ઉગ્રતા આવી હતી. બીજી નાની નાની બાબતે નિયમની વાત કરતા ડીડીઓના વર્તનને એક સદસ્ય દ્વારા ચોર સાથે સરખાવતા ડીડીઓ ઉકળી ઉઠ્યા હતા. જયારે બેઠકમાં ભાજપના સભ્યના કામ ન થતા હોવાનો તંત્ર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ બેઠકમાં રજુ થયેલ મોટાભાગના વિકાસ કાર્યોના મુદ્દાને સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા હતા.

જામનગર જીલ્લા પંચાયતની ચોથી સામાન્ય સભા આજે મળી હતી. જીલ્લા પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં જુદી જુદી બાબતના ૧૬ મુદ્દાઓને વણી લેવામાં આવ્યા હતા. જેમાં બાંધકામ , સિંચાઈ, આંગણવાડી અને કુપોષિત બાળકોના કલ્યાણ માટેની નાણાની ફાળવણીના એજન્ડા મુખ્ય હતા અને મોટાભાગના એજન્ડા સર્વાનુમતે પસાર થયા હતા. પરંતુ ૧૩ નંબરના એજન્ડા પર સતાધારી અને વિરોધ પક્ષના સભ્યો એકસાથે વિરોધમાં આવ્યા હતા. પવન ચક્કી અને પટેલ કોલોની સ્થિત સરકારી ક્વાટર્સ બિલ્ડીંગની મરામત માટે તંત્ર દ્વારા રૂપિયા સાડા તેર લાખના નાણાની ફાળવાની કરતી આ દરખાસ્તને ભાજપા અને કોંગ્રેસના સભ્યોએ એક ઝાટકે વિરોધ કર્યો હતો.

સભ્યોના જણાવ્યા મુજબ પાંચ લાખથી ઉપરના કામ માટે પ્રથમ વિગત વાર એસ્ટીમેટ થવો જોઈએ અને ત્યારબાદ આ એજન્ડા બોર્ડમાં મુકવો જોઈએ. જેથી ખ્યાલ આવે કે પ્રજાના પૈસા ક્યાં વપરાવવાના છે. સદસ્યો દ્વારા સૈધાંતિક નિયમ બધાને લાગુ પડે છે એમ વાત કરી ડીડીઓ પ્રશસ્તિ પરિકને કહી દીધું હતી કે તમે અમને નિયમ બતાવો છો તો તમને પણ આ નિયમ એટલો જ લાગુ પડે છે. નિયમ મુજબની આ કાર્યવાહી સામે ડીડીઓ અને અન્ય અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. સતાધારી જૂથના સદસ્ય નાથાભાઈ ગાગલીયાએ તો તંત્રને એક દિવસનો સમય આપવાની વાત પણ કરી હતી પરંતુ તંત્ર તૈયાર ન થતા અંતે આ એજન્ડા પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.

બીજી તરફ નાની નાની બાબતે ટેકનીકલ અને  નિયમ સમજાવતા ડીડીઓને સદસ્ય હેમત ખવાએ ચોખ્ખું કહ્યું હતી કે તમે અમને ચોર ગણો છો ? જેને લઈને ડીડીઓએ સામાન્ય સભાની શિસ્ટ ભાષાનો પ્રયોગ કરવા કહ્યું હતું. હદ તો ત્યારે થઇ જયારે તંત્ર દ્વારા રજુ  કરવામાં આવેલ સભ્યોના વિકાસ કાર્યોના એજન્ડાને બીજી વખત બેઠકમાં મંજુરી માટે લઇ આવવામાં આવ્યો, તેની સામે તંત્રએ એસ્ટીમેટના મુદ્દાને આગળ ધરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણ માસ માં જો વિકાસકાર્યો નહીં થાય તો આ ગ્રાન્ટની રકમ લેપ્સ થઇ  જવાનો પણ ભય દર્શાવ્યો હતો.

આ બેઠકમાં મોટાભાગના એજન્ડા મંજુર કરાયા હતા પરંતુ ભાજપના સદસ્ય હશુભાઈએ પોતે સૂચવેલ કામ સતત ત્રીજી વખત બોર્ડની બેઠકમાં ચર્ચા વગર રહી જતા હોવાના અને તંત્ર જ મંજુર નહીં કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. શહેરી વિકાસ મંત્રી એ કરેલ ભલામણ બાદ પણ કામ ન થતા ભાજપના સભ્યે તંત્ર પર બળાપો કાઢ્યો હતો.