મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા પખવાડિયાથી શરુ થયેલ ભૂકંપની રફતાર વધુ તેજ બનતા આજે વહેલી સવારે છ કલાકના ગાળામાં છ આંચકા નોંધાતા જીલ્લાભરમાં ભયનો માહોલ બરકરાર રહ્યો છે. રાત્રે સાડા બે  વાગ્યે શરુ થયેલ આંચકો છેક સવારે સાત વાગ્યા સુધી અનુભવાયા હતા. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૩ થી ૨૭ કિમી દુર કાલાવડ આસપાસ નોંધાયું છે.

જામનગર જીલ્લામાં કાલાવડ પંથકની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઇ છે. ગત વર્ષે આ જ ફોલ્ટ લાઈનમાં આ જ સમયગાળા દરમિયાન ધરતીકંપ શરુ થયા હતા. જે છેક જાન્યુંઆરી માસ સુધી ચાલ્યા હતા. આ વર્ષે પણ ઓક્ટોબરમાસના અંતિમ સપ્તાહમાં શરુ થયેલ આંચકાઓના પગલે ફરી એ જ ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે. છેલ્લા બાર દિવસમાં તેર વખત ધરતીકંપ આવ્યા બાદ ભયનો માહોલ ઉભો થયો છે. જેમાં ગત રાત્રીથી વધારો થયો છે. ગઈ કાલે રાત્રે બે વાગ્યાથી ભૂકંપના આંચકાઓ શરુ થયા હતા. જે છ કલાકના ગાળામાં છ વખતમાં તબદીલ થયા હતા. સવારે ૧:૫૧, ૩: ૩૨ કલાકે, ૩:૫૨ કલાકે, ૪:૪૩, ૫: ૫૮ અને ૭: ૧૫, ૮:૫૧ અને  ૮:૫૨ કલાકે ધરા ધ્રુજી ઉઠી હતી, સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર આ પાંચેય આચકાઓની તીવ્રતા અનુક્રમે ૨.૬, ૨.૩, ૨.૪, ૨.૧, ૧.૪ અને ૧.૪ રહેવા પામી હતી.છ આંચકાઓનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૩ થી ૨૭ કિમી દુર દક્ષીણ પૂર્વમાં કાલાવડ નજીક નોંધાયું હતું. છ કલાકના ગાળામાં છ આંચકાના પગલે જીલ્લાભરમાં ભય બેવડાયો છે. ઉલ્લેખનીય છેક છેલ્લા ૧૪ દિવસમાં 19  વખત ભૂકંપ નોંધાયા છે. ગત વર્ષે પણ આ જ સમયગાળા દરમ્યાન વર્તમાન સમયના કેન્દ્ર બિંદુ પરથી ધરતીકંપના આંચકા નોંધાયા હતા. જે સતત બે માસ સુધી રહ્યા હતા. જયારે આ વરસે પણ આ જ સમયે જૂની ફોલ્ટ લાઈન ફરી શક્રિય થઈ છે. જેને લઈને ભય ફેલાયો છે. સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ત્યારે ભયનો માહોલ પણ બેવડાઈ રહ્યો છે.