મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પોલીસ દફતરના લાંચ લેતા પકડાઈ ગયેલા સસ્પેન્ડેડ પીએસઆઈના ઘરની તપસ કરતા તેના કબ્જામાંથી અઢી લાખની રકમ મળી આવી હતી, આ રકમ પ્રમાણસરની હોવાના પુરાવા આપવામાં આવ્યા હતા પરતું આ પુરાવાઓ પણ નકલી સાબિત થતા પૂર્વ પીએસઆઈ અને તેના મિત્ર સામે રાજકોટ એસીબીએ વધુ એક ગુનો નોંધ્યો છે.

ગત ડિસેમ્બર મહિનામાં કલ્યાણપુર પોલીસ દફતરમાં જ એસસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપમાં તત્કાલીન પીએસઆઈ સેલેન્દ્રસિંહ ભદોરિયા ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જે તે સમયે એસીબીએ પીએસઆઈ ભદોરિયા સામે ગુનો નોંધી તેના ઘરની તલાસી લીધી હતી.

કલ્યાણપુર ખાતેના તેમના રહેણાંક સ્થળેથી તત્કાલીન સમયે રૂપિયા બે લાખ એકસઠ હજાર મળી આવ્યા હતા. એસસીબીએ આ રકમ પણ કબજે કરી પ્રમાણ આપવા પીએસઆઈને તાકીદ કરી હતી. આ રૂપિયા અર્થે પીએસઆઈ ભદોરિયાના ભાટિયા રહેતા મિત્ર રામ નાથા ગઢવીએ રૂપિયા અઢી લાખના ઇલેક્ટ્રિક બીલ આપી પ્રમાણ રજુ કર્યો હતો. એસીબી દ્વારા આ પ્રમાણ અંગે તપાસ કરવામાં આવી હતી. જે તે સમયે રજુ કરવામાં આવેલ બીલ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પીએસઆઈ ભદોરિયા અને તેના મિત્ર રામ ગઢવી સામે આજે રાજકોટ ગ્રામ્ય એસીબીના પીઆઈ એનકે વ્યાસે ફરિયાદી  બની વધુ એક ગુનો દાખલ કર્યો છે. એસબીએ પીએસઆઈ ભદોરિયા અને તેના મિત્ર રામની શોધખોળ હાથ ધરી છે.