મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરની કોર્ટે ભરણપોષણના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે અનૈતિક સંબંધ રાખનાર પરિણીતા ભરણપોષણ મેળવવાની હકદાર ન હોવાની ટકોર કરી છે. કોર્ટે આ સાથે પરિણીતાની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી છે. 

જુના થોરાળા વિસ્તારના વિજયનગર-4ના રહીશ ગિરિશભાઈના લગ્ન વર્ષ 2014માં જામનગરની યુવતી સાથે થયા હતા. ગિરિશભાઈની પત્નીના પિયરિયાઓ અંધશ્રદ્ધામાં માનતા હોઈ દિનેશ નામના ભૂવા પાસે દાણા જોવડાવતા હતા તે જ દિનેશ સાથે ગિરિશભાઈની પત્નીના સંબંધો આગળ વધતાં તે અવારનવાર જામનગર જતી રહેતી હતી. લાંબો સમય સુધી મોબાઈલમાં વાતો કરતી અહીં સુધી કે ભત્રીજાના ફોનથી પણ દિનેશ સાથે વાતોએ વળગી રહેતી હતી જેમાં એક કોલ રેકોર્ડિંગ સામે આવતા તેમાં તેમની અભદ્ર વાતોનો ભાંડો ફૂટી ગયો હતો.

ગિરિશે જ્યારે તેનું કબાટ ચેક કર્યું ત્યારે તેમાંથી દિનેશને લોહીથી લખેલો પત્ર અને તેમના બંનેના ફોટોઝ મળ્યા હતા. આ પછી બંને વચ્ચેનું લગ્નજીવન જોખમાઈ ગયું હતું. જોકે પત્નીએ આ પછી ઉલ્ટાનું વચગાળાની રાહત મેળવવા પતિ પર જ ફરિયાદ કરી ભરણપોષણની રકમ અને 5 લાખનું માનસિક નુકસાનીનું વળતર માગ્યું હતું. કોર્ટમાં ગિરિશે તેની લીલાઓના પુરાવા કોર્ટ સમક્ષ મુક્યા હતા. જેને કારણે કોર્ટે વચગાળાની અરજી ફગાવી દીધી હતી. સાથે જ કોર્ટે આવા કિસ્સામાં પત્ની ખાધાખોરાકી મેળવવાની હકદાર ન હોવાનું પણ કહ્યું અને ભરણપોષણની અરજી ફગાવી હતી.