મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેકટ એટલે એલઇડી લાઈટસ, પરંતુ લાંબા સમયથી શહેરની મોટાભાગની લાઇટ્સ બંધ છે. હાલ શહેરમાં અંદાજે 1200 થી 1500 ફરિયાદ પેન્ડીંગ છે. છેલ્લા 2 માસથી ઓનલાઇન ફરિયાદ કરતાં શહેરીજનોને બીજા દિવસે મેસેજ મળી જાય છે કે ફરિયાદનો નિકાલ થઇ ગયો છે. પરંતુ સમસ્યા જેસે થે રહે છે.આ ઉપરાંત શહેરમાં સામાન્ય વરસાદ પડતો ઘેર-ઘેર ડેન્ગ્યું, ચીકનગુનિયા, જેવા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ ઉપરાંત શહેરની દૈનિક સફાઇ અને કચરો ઉપાડવાના કામમાં રૂપિયા 1120 પ્રતિ ટન ભાવ હતો. તેને રૂ 1600 કરી કોન્ટ્રાકટરોને પાછલા દરવાજે કમાવી દેવાનો કારસો વર્તમાન શાસકો દ્વારા ઘડી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એમ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ લાઇટ, સફાઇ અને આરોગ્ય જેવી આવશ્યક સેવા આપવામાં તંત્ર અને હોદ્દેદારો નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે.

ગત જનરલ બોર્ડમાં મેયરની ખાત્રી બાદ પણ આજે જામનગર શહેરની અંદાજે 1200થી 1500 એલ.ઇ.ડી. બંધ છે. સ્ટ્રીટ લાઇટ સહિતના આ પ્રશ્નોના  નિરાકરણ માટે આજે કોંગ્રેસના હોદેદારો અને નગરસેવકો પોતાના માથે ટીર્ચ બાંધી કમિશનર કચેરી પહોંચ્યા હતા. જ્યાં આસી. કમિશનર જીગ્નેશ નિર્મલને આવેદન આપી , સાત દિવસમાં નિકાલ નહીં આવેતો વિપક્ષ દ્વારા  લાઇટ શાખા તથા આરોગ્ય શાખાને તાળાબંધી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.