મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : જામનગરમાં ડેન્ગ્યુંના રોગચાળાએ અજગરી ભરડો લઇ લેતા હાલ ભયનો માહોલ સર્જાયો છે. આરોગ્યતંત્રની સતત કામગીરી વચ્ચે પણ મૃત્યાક અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ પૈકીના વધુ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. ધ્રોલમાં એક તબીબ પુત્રને ડેન્ગ્યું ભરખી ગયો હોવાના બિનસતાવાર અહેવાલ સાંપડી રહ્યા છે. જયારે જામનગરમાં નવાગામઘેડ પાછળ મધુવન સોસાયટીમાં એક મહિલાનું હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા બાદ અર્ધ રસ્તે મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં ડેન્ગ્યુંના રોગચાળાએ કાળોકેર વર્તાવ્યો છે. છેલ્લા ૨૧ દિવસમાં જ ૧૧૦૦ ઉપરાંત દર્દીઓએ શહેરની જીજી હોસ્પીટલમાં સારવાર લીધી છે. હજુ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્રની સાથે સરકાર પણ ફરી વખત હરકતમાં આવી છે. જીજી હોસ્પીટલમાં ડેન્ગ્યુંના જ ત્રણ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં સારવાર લઇ રહેલ ખાખીનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની છ વર્ષીય પુત્રી ભુમીનું સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ડેન્ગ્યું વધુ એક દર્દીને ભરખી જતા મૃત્યાંક તેર પર પહોચ્યો છે. બીજી તરફ નવાગામ ઘેડ પાછળ આવેલ મધુવન સોસાયટીમાં રહેતા એક પરિવારની બે માસુમ પુત્રીઓની માતાને સપ્તાહ પૂર્વે લાગુ પડેલ ડેન્ગ્યુંને કારણે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જો એક આ હોસ્પીટલે હાથ ઉચા કરી લીધા બાદ પરિવારે તેણીને રાજકોટ ખસેડી હતી. ડેન્ગ્યું એટલી હદે તેણીપર સવાર થઇ ગયો કે રાજકોટ હોસ્પીટલે પણ હાથ ઊંચા કરી દીધા, પરિવાર તેણીને લઈને પરત જામનગર આવતો હતો ત્યારે અર્ધ રસ્તે તેણીએ દમ તોડી દીધો હતો. જો કે સરકારી ચોપડે આ મૃત્યુ હજુ સુધી નોંધાયું નથી. બીજી તરફ ધ્રોલ તાલુકા મથકે ડો. આચાર્યના ૨૨ વર્ષીય પુત્રને ડેન્ગ્યું લાગુ પડી જતા તેને પણ આજે રાજકોટ ખસેડાયો હતો. જો કે રાજકોટ પહોચે તે પૂર્વે આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે જીલ્લા આરોગ્ય તંત્રમાં આ મૃત્યુ ડેન્ગ્યુંના કારણે થયું છે એમ પુષ્ઠી કરી નથી.  આજની વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન કુલ ૯૧ દર્દીઓ એક માત્ર જીજી હોસ્પીટલમાં દાખલ થયા છે જેની સામે ૫૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.

આરોગ્ય તંત્રની ઇન્ડોર અને આઉટડોર કામગીરી વચ્ચે પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા સરકાર હરકતમાં આવી છે. આજે કૃષિ મંત્રી આર સી ફળદુ અને સાંસદ પૂનમ માડમ જીજી હોસ્પિટલ પહોચ્યા હતા અને સ્થાનીક હોસ્પિટલ અને મેડીકલ કોલેજ પ્રસાસન સાથે ચર્ચાઓ કરી ડેન્ગ્યુંને નાથવા અસરકારક કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.