મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે એક જીવંત વીજ વાયર તુટતા એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. બાળકને વીજ શોક લાગતા મદદે પહોંચેલા અન્ય એક પ્રૌઢનું પણ જોરદાર વીજ કરંટ લાગતા તેમને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે એકત્ર થયેલા લત્તાવાસીઓએ વીજ તંત્રની બેદરકારી સામે રોષ જતાવી સુત્રોચ્ચાર કરી શખ્ત વિરોધ કર્યો હતો. આ બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે અને વીજ કચેરી પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરમાં ચકચારી બનેલા કરૂણ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના લાલપુર રોડ પર આવેલા સુભાષ પાર્ક વિસ્તારમાં આજે સવારે આઠેક વાગ્યાના સુમારે લત્તા વચ્ચે આવેલ વીજ પોલ પરથી જીવંત વીજ વાયર તુટી પડયો હતો. આજ સમયે અહીંથી પસાર થઇ રહેલા પ્રદિપ અશ્ર્વિનભાઇ મકવાણા (ઉ.વ.13) રે.બાઇની વાડીવાળા બાળક પર વીજ વાયર કાળ બનીને ત્રાટકયો હતો. વીજ વાયર ઉપર પડતા બાળકનું જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ જ ઘટના સમયે  સામે રહેતા અમરશીભાઇ ભગવાનજીભાઇ બારીયા (ઉ.વ.50) તુરંત મદદે દોડી આવ્યા હતા અને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમરશીભાઇએ બાળકના હાથ પકડી બચાવવાનો પ્રયાસ કરતા પોતે પણ ગંભીર રીતે વીજ શોકમાં સંપડાઇ ગયા હતા. આ ઘટનાની ઘટના સ્થળે જ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અમરશીભાઇને તુરંત ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે લત્તાવાસી સ્ત્રી-પુરૂષો એકત્ર થઇ ગયા હતા. બાળકના મૃત્યુના પગલે હાલ એકત્ર થયેલા લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને વીજ તંત્રની બેદરકારી સામે રોષ જતાવી ટોળા રૂપે લોકો નગરસીમ વિસ્તારની વીજ કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ જતાવ્યો હતો. આ ઘટનાના પગલે સુભાષ પાર્ક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળતી વિગત અનુસાર હતભાગી મૃતક બાળક બાઇની વાડી વિસ્તારમાંથી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો અને ત્યાં જીવંત વીજ વાયર કાળરૂપી ત્રાટકયો હતો.