મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જો તમે એટીએમ કાર્ડની સાથે પીન નંબર યાદ રાખવા માટે કાપલી રાખતા હો તો ચેતી જજો કેમકે, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ દફતરમાં એટીએમ કાર્ડ ચોરીનો ગુનો નોંધાયો છે. ગુન્હાની ગંભીરતા એ છે કે, બિનગુજરાતીએ પોતાના એટીએમ કાર્ડ સાથે પાસવર્ડ લખેલી કાપલી રાખી હતી. જેના સહારે તસ્કરોએ પાંચ મોબાઇલની ખરીદી કરી તેમજ રૂા.50,000ની રોકડ રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી. પોલીસે અજાણ્યા તસ્કરને શોધવા કવાયત હાથ ધરી છે.

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ દફતર હસ્તકના મેઘપર પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક લાલબત્તીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જોગવડ ગામે રામદૂતનગરમાં બબલુ મંડલના મકાનમાં રહેતાં અને ખાનગી કંપનીમાં કામ કરતાં પ્રણબેશ તુષારભાઇ ભુનિયાના મકાનના દરવાજાનું તાળુ તોડી ગત્ તા.14મીના સવારથી બપોર સુધીના સમયમાં તસ્કરો ખાબક્યાં હતાં. તસ્કરોએ રૂમમાં રસોઇ બનાવવાના પ્લેટફોર્મની નીચે રાખવામાં આવેલી સુટકેશ ખોલી તેની અંદરથી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કનું પીન નંબર લખેલી કાપલી સાથેનું એટીએમ કાર્ડ અને એક મોબાઇલ ચોરી કરી ગયા હતા. દરમિયાન આ તસ્કરે એટીએમ કાર્ડ મારફતે રૂા.75,000ની કિંમતના પાંચ મોબાઇલ ફોન ખરીદ્યા હતા અને રૂા. 50,000ની રોકડ રકમ ઉપાડી હતી. આ બનાવની મેઘપર પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પીન નંબર લખેલ એટીએમ કાર્ડ સાથે રાખનાર અન્ય ઇસમોને આ કિસ્સો બોધપાઠ ભણાવે છે. એટીએમ યાદ રાખવા માટે ક્યારેય કાપલી કે અન્ય કોઇ પુરાવા સાથે રાખવા ન જોઇએ એમ પણ ચોરીનો આ કિસ્સો શિખવે છે.