મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરના નામાંકિત ઉદ્યોગપતિ વસંત પરિવારમાં મિલ્કતના પ્રશ્ર્ને ચાલતો વિવાદ અદાલતની એરણે પહોંચ્યો  છે.  આ પ્રકરણમાં રૂાપિયા સવા કરોડની ઔદ્યોગિક જમીનના  વહેંચાણમાં ગેરરીતી થયાની ચકચારી ફરિયાદમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિની આરોપી તરીકે સંડોવણી દર્શાવાતા આ ઉદ્યોગપતિએ આગોતરા જામીન માટેની અરજી જામનગરની અદાલતમાં કરતા આ પ્રકરણ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના નામાંકિત ઉદ્યોગપતિ અને રાજકારણી સ્વ.વિનોદરાય કલ્યાણજી વસંત (કિલુભાઇ)ના આવસાન બાદ તેમના કુટુંબ-પરિવારમાં કરોડોની મિલ્કત અંગે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંયુકત પરિવારની કેટલીક મિલ્કતો વિવાદનું કેન્દ્ર બની છે. 

સ્વ.કિલુભાઇના પત્ની વર્ષાબેન વસંતે પોતાના ભત્રીજા હેમલ વસંત, દિયર મહેશભાઇ વસંત તથા જામનગરના અન્ય એક જાણીતા મહાજન ઉદ્યોગપતિ એવા આર.કે.શાહ સામે જીઆઇડીસીમાં આવેલા 3264 નંબરના પ્લોટના વેચાણમાં ગેરરીતી થયાની ફરિયાદ કરી છે. આ પ્લોટની કિંમત રૂા.સવા કરોડ આસપાસ હોવાનું જાણવા મળે છે.

આ ફરિયાદ સંદર્ભે ગઇકાલે વસંત પરિવારના મહેશભાઇ વસંતની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી. જયારે અન્ય એક આરોપી આર. કે. શાહ દ્વારા આજે પોતાના વકીલ દિલીપભાઇ મામતોરા મારફત અદાલતમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરવામાં આવતા આ અંગે સુનાવણી બપોરે 1 વાગ્યે પુરી થઇ હતી અને અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો.

બચાવ પક્ષે એવી દલીલ કરાઇ હતી કે કરાર મુજબની આ પ્લોટની રકમ વર્ષાબેન (ફરિયાદી)ના બેંક ખાતમાં ચેકથી જમા થઇ છે. તેથી છેતરપીંડી થયાનો કોઇ પ્રશ્ર્ન નથી.