મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં સપ્તાહ પૂર્વે નવાગામ ઘેડમાં જીમખાનામાં થયેલા યુવાનના હત્યા પ્રકરણનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી નાખી નાગેશ્ર્વર વિસ્તારના કોળી શખ્સની ધરપકડ કરી છે. કબુતર ખરીદવાના પૈસાની લેતી-દેતી બાબતે અવાર-નવાર થયેલા ઝગડાને લઇને આરોપીએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કડીઓ મેળવવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાંન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.

જામનગર શહેરના નવાગામ ઘેડ કબીનગર શકતીમાતાના મંદિર પાસે રહેતાં મુકેશભાઇ ઉર્ફે વડો રમેશભાઇ પાટડીયા (ઉ.વ.22)નામના કોળી યુવાન બુધવારના સવારે ચાની હોટલે કામે ગયા બાદ સાડા દસેક વાગ્યે નીકળી ગયો હતો. જે બાદ તે ઘરે ન પહોંચતા મુકેશભાઇનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારોના 9 ઘા મારીને અર્ધનગ્ન હાલતમાં જામનગરની ડેન્ટલ હોસ્પીટલ પાછળ જીમખાનાએથી મળી આવી હતી.

આ અંગેની પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.માટે મોકલીને મૃતકના ભાઇ નીનુસભાઇની ફરિયાદ લઇને અજાણ્યા શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ડેન્ટલ કોલેજના સીસી ટી.વી ફૂટેજ અને અન્ય શકમંદો સુધી તપાસ લંબાવી હતી જો કે  તેમા પણ દિવસો સુધી સફળતા હાથ લાગી ન હતી. પરંતુ આજે સવારે એલ.સી.બીને મળેલી ચોક્કસ હક્કિતના આધારે વિકટોરીયા પુલની નીચે રંગમતી નદીના પટમાં આ પ્રકરણમાં સંડોવાયેલ નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપા નામના શખ્સને આંતરી લેવામાં આવ્યો હતો.

પોલીસે પૂછપરછ કરતા આ શખ્સે હત્યા કરી હોવાનું કબુલાત કરી છે. મહિના પૂર્વે મૃતક મુકેશ સાથે કબુતર ખરીદવાના પૈસાની લેતી-દેતી બાબતે  અવાર-નવાર ઝઘડો થતો હોય આ જ બાબતને લઇને ઘટનાની રાત્રે બન્ને વચ્ચે બોલા-ચાલી થઇ હતી અને આરોપીએ છરીના ઉપરા ઉપરી ઘા મારી મુકેશની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.