મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં ગઈ કાલે મોડી રાત્રે હવાઈ ચોક વિસ્તારમાંથી મોટરસાયકલ સાથે પસાર થતા એક પોલીસકર્મચારીને ત્રણ સખ્સોએ આંતરી લઇ હુમલો કરી બેફામ માર મારતા ચકચાર મચી જવા પામી છે. સખ્ત મારથી અર્ધ બેશુદ્ધ થઇ ગયેલા પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જામનગર પોલીસબેડા ચર્ચાસ્પદ બનેલ બનાવની વિગત મુજબ, ગઈ કાલે મોડી રાત્રે હવાઈ ચોક નજીક ખંભાલીયા ગેઇટ પાસેના  વિસ્તારમાં વરૂડી હોટેલ વાળી ગલીમાં પોતાની પત્ની સાથે મોટર સાયકલ પર પસાર થતા અને પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરજ બજાવતા પરેશ ખાણધરને ત્રણ શખ્સોએ આંતરી લીધા હતા. પોતાની પત્ની સાથે નીકળેલ પોલીસકર્મી કઈ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ ચોતરફો હુમલો કરી બેફામ માર માર્યો હતો. માર મારવાની સાથે ત્રણેય શખ્સોએ સોનાના ચેનની લૂંટ ચલાવી તુરંત નાશી ગયા હતા.

આ ઘટનાને પગલે અને બેફામ મારથી ઘવાયેલા પોલીસ કર્મીને તુરંત જીજી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતા સીટી એ ડીવીજન પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સારવાર લીધા બાદ પોલીસ જવાને આ બનાવ અંગે આરોપી ફૈઝલ, નિયામત ખેરાણી અને સાહીદ ખફી સામે સખ્ત માર મારવા અને લૂંટ ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી એ ડીવીજનના સ્ટાફે આરોપીઓને પકડી પાડવા તપાસ શરુ કરી છે. પોલીસ કર્મી પર થયેલા હુમલાને પગલે શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મળે છે.