મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ શ્રીનગર શહેરના બહારી વિસ્તાર પારિમપોરામાં પથરમારાની ઝપેટમાં આવી ગયેલા ગુજારતના બે પર્યટકો ઘાયલ થઈ ગયા છે. પર્યટકો ગુલમર્ગથી ટેક્સી દ્વારા શ્રીનગર પાછા આવી રહ્યા હતા. દરમિયાન પારિમપોરામાં અસામાજીક તત્વો સુરક્ષા દળો પર પથ્થરો વરસાવી રહ્યા હતા, આ જ સમયે તેમની કાર પણ તેની ઝપેટે ચઢી ગઈ હતી. નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ઈજાગ્રસ્તોને ખસેડાયાની વાત મળી રહી છે જોકે પોલીસ તે ઘટનાનું સમર્થન હજુ કરી રહી નથી.

સુરક્ષા દળોનું કહેવું છે કે, અન્ય પ્રાંતના લોકો પર બારિક નજર રાખી રહ્યા છીએ. વિવિધ જિલ્લાઓમાં કામ કરતા બહારી રાજ્યોના મજુરોની ગણતરી પણ કરાઈ છે. સાથે જ તેમની વસ્તીઓ તથા વિસ્તારોની સુરક્ષા સચોટ કરવાના પ્રયત્નો કરાયા છે.

આર્ટિકલ 370ની જોગવાઈઓ હટાવાયા પછી ઘાટીમાં શાંતિપૂર્ણ માહોલથી બોખલાયેલા આતંકીઓએ 14 ઓક્ટોબરથી અત્યાર સુધી એટલેકે 22 દિવસોમાં 12 બહારના રાજ્યોના લોકોની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં સફરજનના વેપારી, ટ્રક ચાલક, રેકડી ચાલાવતા, રમકડા વેચનાર તથા મજૂરો પણ શામેલ છે. બહારના રાજ્યોના લોકો પર હુમલાની સાત ઘટનાઓ બની છે જેને પગલે ભયનો માહોલ ઊભો કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.