મેરાન્યૂઝ નેટવર્ક.જાલોર: રાજસ્થાનના જાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક અકસ્માતમાં બસમાં સવાર ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક બસ અનિયંત્રિત થઈને 11 હજાર વોલ્ટની હાઇટેન્શન તાર સાથે અથડાઇ હતી અને તેમાં આગ લાગી હતી. રાત્રે 10.45 વાગ્યે આ ઘટના બની હતી.

આ ઘટનામાં છ લોકો જીવિત બળી ગયા હતા જ્યારે 36 લોકો દાઝી ગયા હતા. વધારે લોકોને  જાલોરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે અને તેઓને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક હિંમતસિંહના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મહેશપુરા ગામ નજીક થયો હતો.બસનો ચાલક રસ્તો ભટકી ગયો અને ગ્રામીણ વિસ્તારમાં ચાલ્યો ગયો  હતો જ્યાં બસ ઇલેક્ટ્રિકલ વાયર સાથે અથડાઇ હતી અને આગ લાગી હતી.

બસમાં સવાર તમામ લોકો જૈન સમુદાયના હતા, જે નાકોડા તીર્થની મુલાકાત લીધા બાદ અજમેર અને બ્યાવર પરત ફરી રહ્યા હતા. કેટલાક દાઝેલા લોકોની ઓળખ બાકી છે. જાલોર  જિલ્લાથી સાત કિલોમીટર દૂર મહેશપુરા ગામમાં આ અકસ્માત થયો હતો. જૈન ભક્તો બે બસમાં સવાર થઈ બ્યાવર જવા રવાના થયા.

રસ્તો ભટકવાને કારણે મહેશપુરા ગામ પહોંચ્યો હતો
તમામ ભક્તો જાલોર જિલ્લાના જૈન મંદિર પહોંચ્યા હતા. દર્શન કર્યા પછી પરત ફર્યા બાદ તેઓ રસ્તો ભટકીને મહેશપુરા ગામે પહોંચ્યા હતા. ગામના સાંકડી ગલીઓમાંથી પસાર થતી વેળાએ બસ અનિયંત્રિત થઈને 11 હજાર વોલ્ટની હાઇટેન્શન તાર સાથે ટકરાતા આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કંડક્ટર વાયરને દૂર કરવા બસની ઉપર ચડ્યો હતો. તે દરમિયાન બસમાં કરંટ ફેલાતાં તેમાં આગ લાગી હતી.