મેરાન્યૂઝ નેટવર્ક, નડિયાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે એક દિવસીય જળઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂર્મક ઉજવાયો હતો. સવારે 11-30 કલાકે નીજ મંદિરમાં શ્રીહરી તથા મોંઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા ગજાનની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં પધરાવ્યા હતાં. આ પ્રસંગે વડતાલ તેમજ આજુબાજુના 45 ગામના હરિભક્તોની ભજનમંડળીઓએ ભજનની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય કરી દીધું હતું. 

મંદિરમાંથી બેન્ડવાજા, ડીજે, ઢોલનગારા તથા ભૂંગળ મંડળીઓની રમઝટ વચ્ચે શ્રીહરી તથા દુંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વડતાલ ગોમતી કિનારે પહોંચી ત્યારે સમગ્ર અક્ષરધામ તુલ્ય ભાસતુ હતું. વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનું મોટું મહાત્મ્ય છે. સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં આ જલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. વડતાલમાં આશરે 192 વર્ષથી જલઝિલણી ઉત્સવ ઉજવવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે આ ઉત્સવ મંદિર પુરતો સીમિત રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષો હજારો હરિભક્તો શોભાયાત્રામાં જોડાયા હતાં. 

Advertisement


 

 

 

 

 

ગોમતી કિનારે ઠાકોરજીની તથા ગણપતિને તૈયાર કરવામાં આવલે સ્ટેજ પર સ્થાપિત કરી સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. તેમની સાથે આ ઉત્સવના યજમાન પ્રદિપભાઇ રતિલાલ પટેલ (નૈરોબી) ના પરિવારજનો પણ જોડાયા હતાં. ત્યારબાદ ઠાકોરજી અને વિધ્નહર્તા ગજાનનને શણગારેલ હોડીમાં બેસાડી નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો અને સંતો, પાર્ષદો, આગેવાન હરિભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. નૌકાવિહાર વખતે ભાવિકોને 15 મણ કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. તરતા આવડતું હતું એ સંતોએ તળાવમાં ડૂબકી લગાવી સ્નાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્સવનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.