ઇબ્રાહિમ પટેલ(મેરાન્યૂઝ.મુંબઈ): ૨૦૨૦માં સરેરાશ તમામ સેકટરના હાજર ડ્રાય બલ્ક નૂરની આવક, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી હતી. અલબત્ત, આખા વર્ષનો સર્વાંગી બાલ્ટિક ડ્રાય ઇંડેકસ ૨૫.૩ ટકા વધ્યો હતો. કોરોના મહામારીને કારણે જહાજી પ્રવૃત્તિ સાવ ધીમી પડી ગઈ હોવા છતાં, ચીન તરફ રવાના થયા આયર્ન ઓરના શિપમેન્ટમાં વધારો થવાને લીધે, એક્સ્ચેન્જ પર ટ્રેડ થતાં મુખ્ય જહાજી રુટના બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ત્રણ વર્ષ પછી પહેલી વખત વાર્ષિક વૃધ્ધિ જોવાઈ.
ગતવર્ષના આ સમયગાળામાં અસંખ્ય જહાજ માલિકો ૨૦૨૦ના વર્ષ માટે જહાજી નૂર વધુ મળવાનો આશાવાદ સેવતા હતા. સામાન્ય રીતે સી-બોર્ન આયર્ન ઓરના ચીનના આયાતકારો કેપસાઈજ નૂરબજારમાં મહત્વની અને આગવી ભૂમિકા નિભાવતા હોય છે. પરંતુ કેપસાઈજ ઇંડેક્સ આખા વર્ષમાં માત્ર ૨.૯ ટકા, પનામેક્સ ૧૮.૬ ટકા જ્યારે સુપ્રામેક્સ ઇંડેક્સમાં ૪૪.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
૨૦૨૦ની માફક જ જો ફ્યુચર્સ ભાવને આધારે જોઈએ તો ૨૦૨૧માં લાગે છે કે, જોખમ સામે સારું વળતર પ્રાપ્ત થશે. આથી જ આ ક્ષેત્રની નવા વર્ષની શરૂઆત સાવધાની પૂર્વક કરવાને બદલે જોખમ લેવું જોઈએ. બાલ્ટિક એક્સચેન્જના ટ્રેડરોનું ફોરવર્ડ એસેસમેન્ટ કહે છે કે ૨૦૨૧નો સરેરાશ ઇંડેક્સ લગભગ ૧૨ ટકા વધુ ૧૧૮૯ પોઈન્ટ રહેવાનું છે.
 
 
 
 
 
જહાજી બ્રોકર પેઢી ક્લાર્કસન ગ્લોબર શિપિંગનાં ડેટા કહે છે કે જો કોઈ અણધાર્યા સંયોગો ઊભા નહીં થાય તો, ૨૦૨૧ના ડ્રાય બલ્ક શિપિંગ સેકટરના ડેટા વધુ સારા રહેવાની શક્યતા છે. આ વર્ષે જહાજી દલાલોનું ધ્યાન બ્રાજીલ તરફ કેન્દ્રિત રહેશે, આયર્ન ઓર ઉત્પાદક વલે બ્રાજીલની નિકાસનું ચાલકબળ બની રહેશે. કોરોના રસી બજારમાં આવી ગઈ છે અને અસંખ્ય દેશોના અર્થતંત્ર પાટે ચઢવા લાગ્યા છે. સાથે જ રાહત પેકેજોની ભરમાર શરૂ થઈ છે, ત્યારે ચીન બહારના વિસ્તારોની જહાજી માંગ પણ વધવાની સંભાવના છે.
૨૦૨૦ના આરંભે જાગતિક બલ્ક જહાજની માંગના ડ્રાઈવર ગણાતા ચીનમાં કોરોનાનો સ્ફોટ થયો અને આખા જગતને મહામારીગ્રસ્ત કરી દીધું, તેથી જહાજી નૂરબજારમાં પ્રથમ ત્રિમાસિકમાં કામગીરી સાવ નબળી રહી, પણ બીજા ત્રિમાસિકામાં પણ આ બજાર કઈ વધૂ સારી કામગીરી નિભાવી નહીં શક્યું. ૨૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ૧૩૬૬ પોઈન્ટ બંધ રહ્યો જે ૨૮ ઓકટોબર પછીની નવી ઊંચાઈ હતી, ૨૦૧૯ના સમાન સમયમાં આ ઇંડેક્સ ૧૦૯૦ પોઈન્ટ હતો.
બાલ્ટિક ઇન્ડેક્સના મુખ્ય અંગ ગણાતો કેપસાઈઝ ઇંડેક્સ વર્ષાંતે ૨૦૦૬ પોઈન્ટ હતો, જે છેલ્લા સાત વર્ષના વર્ષાન્તમાં સૌથી ઊંચો હતો. અલબત્ત, ૨૦૨૦ની બાલ્ટિક ઇન્ડેક્સની સરેરાશ ૧૦૬૬ પોઈન્ટ રહી હતી, જો ૨૦૨૦ના દાયકાની સરેરાશ જોઈએ તો તે ૨૧ ટકા નીચો હતો. ૨૦૧૬માં આ ઇંડેક્સની સરેરાશ ૬૭૩ પોઇન્ટના તળિયે ગઈ હતી. આ ઘટાડાએ જહાજ માલિકોની કમાઈને સૌથી ખરાબ અસર પહોંચાડી હતી.
ક્લાર્કસન અને બાલ્ટિક એક્સ્ચેન્જના ડેટા કહે છે કે ૨૦૨૦માં કેપસાઈજ જહાજોની સરેરાશ દૈનિક આવક માત્ર ૧૦,૭૦૦ ડોલરની રહી હતી. જે ૨૦૧૯ની સરેરાશ કરતાં ૩૧ ટકા ઓછી હતી. વર્ષાન્ત ટ્રેડિંગ દિવસે કેપસાઈઝની સરેરાશ દૈનિક આવક ૧૬,૬૩૩ ડોલર હતી. ૧૦ બેંચમાર્ક જહાજી રુટ પર સુપ્રામેક્સના નૂરની ૨૦૨૦ની દૈનિક સરેરાશ ૮૧૯૦ ડોલર નોંધાઈ હતી, જે ગતવર્ષના ૯૯૫૦ ડોલરથી ખૂબ ઓછી હતી. ૨૪ ડિસેમ્બરે પાનામેક્સ જહાંના નૂર ૧૧૯૨૬ ડોલર બોલાયા હતા.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)