મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખના તાજ માટે છેલ્લા ઘણા નેતાઓ વચ્ચે રેસ ચાલુ થઈ હતી. હવે આ રેસમાં જગ્દીશ ઠાકોર આગળ પહોંચી ગયા છે. કોંગ્રેસ દ્વારા આજે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલા કોંગ્રેસ પ્રમુખનો તાજ જગ્દીશ ઠાકોરના શીરે મુક્યો છે. આ રેસમાં અગાઉ ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, વિરજી ઠુમ્મર સહિતના અગ્રણી નેતાઓના નામો ચાલી રહ્યા હતા.

Advertisement


 

 

 

 

 

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગ્દીશ ઠાકોરના નામની જાહેરાત સત્તાવાર થઈ ચુકી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા જાણકારી અપાઈ હતી કે તાત્કાલીક અસરથી જગ્દીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ કમિટિના પ્રેસિડેન્ટ તરીકે નિમવામાં આવે છે. જોકે હજુ પણ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા તરીકે સુખરામ રાઠવાના નામની જાહેરાત અંગે વાતો ચાલી રહી છે પરંતુ આ અંગે સત્તાવાર વિગતો સામે આવી રહી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગ્દીશ ઠાકોરની વરણી થતાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર તેમને શુભકામનાઓ આપી હતી.

અમિત ચાવડાએ લખ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિયુક્ત થવા પર જગ્દીશ ઠાકોરને હાર્દિક શુભકામનાઓ, તમારા અનુભવી અને લડાયક નેતૃત્વમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં આપણે તમામ સાથે મળીને કોંગ્રેસ પક્ષની વિજય પતાખા લહેરાવીશું.