પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): હું પત્રકારત્વમાં દાખલ થયો અને પહેલી વખત ગાંધીનગર સચિવાલય ગયો ત્યારે મારા જેવા નવા નિશાળીયા પત્રકાર સાથે કોઈ સરકારી અધિકારીએ અત્યંત પ્રેમ અને સૌજન્યપુર્વક વાત કરી હોય તો તે જગદીશ ઠક્કર હતા. આજે તેઓ હતા તે શબ્દ લખતા હ્રદય ઉપર એક ભાર પડે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન થયા ત્યારે તેઓ પોતાની સાથે ગાંધીનગરથી એક ટીમ લઈ ગયા તેમાં જગદીશ ઠક્કર પણ હતા. આજે તા. 10 ડિસેમ્બર 2018ના રોજ હવે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી તેવા સમાચાર લખતા તકલીફ થઈ રહી છે.

મુળ તો જગદીશ ઠક્કર માહિતી ખાતાનો જીવ, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી થયા ત્યારે માહિતી ખાતાના એક અધિકારીને મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવા સરકાર બદલાય તેની સાથે તેમના કાર્યાલયમાં રહેલો સ્ટાફ પણ બદલાઈ જતો હોય છે. કારણ કે દરેક મુખ્યમંત્રી પોતાના વિશ્વાસુ અધિકારીને પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે. પરંતુ જગદીશ ઠક્કર એક અપવાદ રહ્યા, અમરસિંહ ચૌધરી પછી માધવસિંહ સોંલકી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, દિલીપ પરીખ, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે બદલાતા રહ્યા પણ જગદીશ ઠક્કર યથાવત રહ્યા.

2001માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે કેશુભાઈ પટેલનો તમામ સ્ટાફ ખસેડી નાખ્યો હતો કારણ માહોલમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસ હતો. છતાં તે અવિશ્વાસનો માહોલ પણ જગદીશ ઠક્કરને ખસેડી શક્યો નહીં. નરેન્દ્ર મોદીએ પણ તેમને યથાવત રાખ્યા હતા. આ દરમિયાન તેમની વય મર્યાદાને કારણે નિવૃત્તિ પણ આવી. જગદીશ ઠક્કર કહેતા મુખ્યમંત્રી સાથેની સતત ભાગદોડ અને સતત કામ કરવાને કારણે હવે થાક લાગ્યો છે. પરંતુ નરેન્દ્ર મોદીએ તેમની નિવૃ્ત્તિ પહેલા બોલાવી કહ્યુ જગદીશભાઈ તમારે નિવૃત્ત થવાનું નથી, મારે તમારી જરૂર છે. નરેન્દ્ર મોદી જેવા નેતા સાથે સતત કામ કરી શકે તેવા સરકારી અધિકારીઓની સંખ્યા બહુ નાની છે અને તેમાં પણ નરેન્દ્ર મોદી સામે ચાલી જ્યારે કહે કે મારે તમારી જરૂર છે તે વાત જ બદલાઈ જાય છે.

નિવૃત્તી પછી પણ તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા રહ્યા. તેમની કામ કરવાની ઝડપ અને કુનેહ બીજા કરતા જુદી હતી. ખાસ કરી મુખ્યમંત્રીની સભાઓ વિવિધ શહેરોમાં હોય ત્યારે સ્થાનિક માહિતી અધિકારીને પ્રેસનોટ લખવાની ચિંતા રહેતી નહી. મુખ્યમંત્રી સભાને સંબોધતા હોય ત્યારે તેમની પ્રેસ નોટ લખવાનું ચાલુ હોય અને જેવા મુખ્યમંત્રીનો કાફલો સભા સ્થળ છોડે તે પહેલા તે માહિતી અધિકારીને તૈયાર પ્રેસનોટ આપે અને કહે કે રીલીઝ કરી દેજો. તમામ મુખ્યમંત્રી સાથે તેઓ રહ્યા તેના અનેક કારણો હતા જેમાં એક તેઓ ક્યા મુખ્યમંત્રીને કઈ બાબત પસંદ અને નાપસંદ છે તેની જાણકારી રહેતી હતી. તેઓ મુખ્યમંત્રીનું રાજકિય મન સમજી અને વાંચી શકતા હતા. ઘણી વખત તમે મુખ્યમંત્રીને મળવા જાવ ત્યારે તે કહે આજે મળતા નહીં, તાપમાન ઉંચુ છે તેનો અર્થ મુખ્યમંત્રીનો મુડ સારો નથી.

મને તેમની સાથે મઝા પડતી. તેઓ જાણતા હતા કે મારે ખાસ કરી તેમના કોઈ મુખ્યમંત્રી સાથે બનતુ નથી. છતાં તેમનો વ્યવહાર મારી સાથે કાયમની જેમ નોર્મળ રહેતો હતો. હું સરકાર સામે લખુ છું તેવી પુરી જાણકારી સાથે પત્રકારત્વ માટે જરૂરી મદદ પણ કરતા હતા. જ્યારે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર ન્હોતા ત્યારે હું ન્યુઓર્કના એક અખબાર માટે સમાચાર લખતો હતો. મને તે અખબાર સમાચાર લખવાના પૈસા આપતુ પણ સમાચાર મોકલવાની વ્યવસ્થા મારે કરવાની હતી. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. જો હું કુરીયરથી સમાચાર મોકલુ તો ઘણું મોડુ થઈ જાય અને કુરીયરના પૈસાની વ્યવસ્થા પણ મારી પાસે ન્હોતી.

ત્યારે ફેક્સ કરવો બહુ મોંઘો હતો અને તે પણ વિદેશમાં કરવો હોય ત્યારે મિનીટ ઉપર પૈસા ચુકવવા પડતા હતા. મેં મારી સમસ્યાની વાત જગદીશ ઠક્કરને કરી. તેમણે કહ્યુ જો મારૂ કામ ગુજરાતના પત્રકારોને મદદ કરવાનું છે. જેની સાથે સરકારનો બચાવ અને સરકારની સારી વાતો લોકો સુધી પહોચાડવાનું છે પણ મને ખબર છે તુ ક્યારેય સરકારના વખાણ કરવાનો નથી. તારી જે સમસ્યા છે તેનો ઉકેલ આવી જશે, તુ કોઈની સાથે ચર્ચા કરતો નહીં. તારે તારી સ્ટોરી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના બંગલેથી ફેક્સ કરી દેવાની અને તેમણે મને કહ્યુ તેવી વ્યવસ્થા થઈ ગઈ. હું ચીમનભાઈ પટેલ અને તેમની સરકાર વિરૂદ્ધ લખતો હોવા છતાં તે સ્ટોરી તેમના જ બંગલેથી ફેક્સ કરતો હતો.

મને તેમની પાસેથી જુદા જુદા મુખ્યમંત્રી અંગે વાતો સાંભળવી ગમતી હતી. મેં તેમને પુછ્યુ કે સૌથી વધારે કામ કરનાર મુખ્યમંત્રી કોણ? તેમણે મને કહ્યુ સૌથી વધારે કામ કરનાર મુખ્યમંત્રી આવ્યા તો તે ચીમનભાઈ પટેલ હતા, રાતના બે વાગ્યે આઈએએસ અધિકારીની મિટીંગ વચ્ચે  મને બોલાવી કહે, જગદીશ બહુ મોડુ થઈ ગયુ છે તમે નિકળો. હું પુછુ કે આવતીકાલે કેટલા વાગે આવુ તો તે કહે કે વહેલા આવવાની જરૂર નથી સવારે સાત વાગ્યા સુધી આવી જશો તો ચાલશે. હું સાત વાગ્યે પહોંચુ તો ચીમનભાઈ પટેલ તૈયાર થઈ ડાઈનીંગ ટેબલ ઉપર નાસ્તો કરતા હોય. જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ પથારીમાં સુતા જ નહીં પ્રવાસ દરમિયાન તેઓ કારમાં હોય ત્યારે જેટલુ સુઈ જવા મળે એટલી જ ઉંઘ લેતા હતા.

ત્યાર પછી તેમના કરતા પણ વધારે કામ કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. હું તેમને નરેન્દ્ર મોદી અંગે પુછુ તો કહે પ્રશાંત એક  વખત નિવૃત્ત થઈ જઉ પછી તને બધા મુખ્યમંત્રીની વાત કરીશ તુ તેના ઉપર પુસ્તક લખજે પણ જગદીશ ઠક્કર મને આપેલુ વચન અધુરૂ મુકી જતા રહ્યા. છેલ્લાં ત્રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં સારવાર લઇ રહ્યા હતા. આજે 10મી ડિસેમ્બરના રોજ તેમણે છેલ્લો શ્વાસ લીધો.  એક ધરતીનો માણસ ફરી ધરતીમાં સમાઈ ગયો હતો. સત્તાની નજીક રહેવા છતાં સત્તા જેને પ્રભાવીત કરી શકે નહી તેવા અમારા પ્રેમાળ જગદીશકાકાની 72 વર્ષની ઉંમરે વિદાઈ થઈ, જગદીશ ઠક્કરની વિદાયના સમાચાર મળતા નરેન્દ્ર મોદી તેમના પરિવારને મળવા પહોંચી ગયા હતા.