લેખક- રઘુનાથ મિશ્ર (મેરાન્યૂઝ.ગુજરાત); અષાઢી બીજના દિવસે રાજ્ય-દેશમાં રથયાત્રા આયોજાય છે. રથયાત્રાની પરંપરા ઓરિસામાં આવેલા પુરીના જગન્નાથ મંદિરની છે, જે પછીથી દેશનાં અન્ય જગન્નાથનાં મંદિરોમાં અનુસરાય છે. પુરી જગન્નાથના આ મંદિરમાં હરિજનોના મંદિરપ્રવેશ બાબતે ખાસ્સી હિલચાલ રહી અને ગાંધીજી પણ તે હિલચાલમાં સામેલ રહ્યા. 1938માં જ્યારે ગાંધીજી પુરીના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું : “હરિજનોને એ મહામંદિરમાં પેસવા દેવામાં આવતા નથી. મેં મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી જગન્નાથની નજર આગળ આ ભેદો ચાલે છે ત્યાં સુધી એ જગન્નાથ મારો નથી.” આ પ્રવાસ દરમિયાન અહીં મંદિરમાં જનારાં કસ્તૂરબા સહિત અન્યને તેમણે જાહેરમાં સખત ઠપકો પણ આપ્યો હતો. એક સમયે પુરીના મંદિરમાં માણસ માણસ વચ્ચેના ભેદ નહોતા અને તે વિશે રઘુનાથ મિશ્રએ મંદિરની કથાવસ્તુરૂપે તેનો ઇતિહાસ આપ્યો છે. .... 

જગન્નાથનું પ્રાચીન મંદિર એક કાળે એક ભૂરા રંગની ટેકરી પર હતું. ટેકરી ગાઢ, અભેદ્ય અરણ્યથી ઢંકાયેલી હતી, ને એમાં પ્રવેશ કરવાની કોઈની છાતી ચાલતી નહિ. વિશ્વાવસુ નામનો શબર જાતિનો પારધી આ વનની ઝાડીમાં ઘર કરીને રહેતો હતો. એક દિવસ શિકારની શોધમાં નીકળેલો તે ટેકરીના શિખર પર આવી પહોંચ્યો, ત્યાં એક ગુફામાં તેણે એક સુંદર મૂર્તિ ઢંકાઈને પડેલી જોઈ. તે જોઈને તેનું હૃદય આનંદ ને ભક્તિથી ફુલાઈ ગયું. તે ક્ષણથી તેને દુનિયાની બીજી એકે વસ્તુ વિશે વિચાર આવે જ નહિ. ઊંઘતાં ને જાગતાં એના મનમાં એ મૂર્તિના જ વિચાર આવ્યાં કરે. એણે મુગ્ધ કલ્પનાથી એ મૂર્તિનું નામ નીલાચલ પરથી નીલમાધવ પાડ્યું. રોજ સવારે તે વહેલો ઊઠીને ગુફામાં જતો ને એ મનોહર મૂર્તિને નવડાવી તેને ફૂલથી શણગારતો. એટલું કર્યા પછી તે વનનાં સારામાં સારાં ફળ ભેગાં કરી લાવતો, એ ચાખી જોતો, ને મીઠાં ફળ દેવને ધરાવતો. ભક્તિના ઊભરા આડે એને ક્ષણવાર પણ શંકા ન થતી કે એણે ચાખ્યા પછી ફળ એઠાં થાય છે ને તેનું દેવને નૈવેદ્ય ન ધરાવાય. એના મનમાં તો એમ જ હતું કે સારામાં સારાં ને મીઠાં ફળ જ દેવને ધરાવાય. ને કયાં ફળ મીઠાં છે એની ખબર ચાખ્યા વિના કેમ પડે? હાથમાં ફળ લઈને તે મૂર્તિ પાસે દોડી જાય ને કહે, “ભગવાન, આ ફળ આરોગો. એ મીઠાં છે, મેં ચાખી જોયાં છે.” આવી એ ભક્તની મુગ્ધ શ્રદ્ધા હતી. દેવ એ શ્રદ્ધાને વશ થયા ને શબરનાં ફળ લઈને આરોગવા લાગ્યા. નહિ તો પારધી ઉપવાસ કરત; કેમકે એણે તો સંકલ્પ કરેલો કે ભગવાન ફળ આરોગે નહિ ત્યાંસુધી પોતે ખાવું નહિ. આ રીતે દિવસો પર દિવસો જવા લાગ્યાં. પારધીની દીકરી લલિતા સિવાય બીજા કોઈને ખબર નહોતી કે પારધી નીલમાધવની ભક્તિમાં લીન થઈ ગયો છે ને એને જગતમાં બીજો કશો રસ રહ્યો નથી.

એ કાળે માલવદેશની ગાદીએ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો તે ભલો ને ધર્મનિષ્ઠ રાજા હતો. એના જીવનની મોટામાં મોટી આકાંક્ષા એ હતી કે કોઈ જગાએ પવિત્ર સ્થાન શોધી કાઢવું, ત્યાં વિશાળ દેવાલય બાંધવું, ને ત્યાં એવી મૂર્તિની સ્થાપના કરવી કે જેની પવિત્રતાની ખ્યાતિ આખા દેશમાં ફેલાયે. એવું સ્થાન ને એવી મૂર્તિ શોધવાં તે ચારે દિશામાં અનુચર મોકલ્યા કરતો હતો. એક દિવસ એ શોધની નિષ્ફળતા વિશે વિમાસણ કરતો બેઠો હતો ત્યાં એક અજાણ્યો બ્રાહ્મણ આવી ચડ્યો. એણે આવીને નીલાચલની પવિત્રતાનું ને નીલમાધવની મૂર્તિનું છટાદાર વર્ણન કર્યું ને કહ્યું, “નીલમાધવ એ તો સાક્ષાત્‌ શ્રી વિષ્ણુ છે. આ૫ જો ત્યાં મંદિર બાંધશો તો આપને અપૂર્વ કીર્તિ અને અપાર શ્રેયની પ્રાપ્તિ થશે, કેમ કે મારી જાણમાં આ સ્થાન આખા ભારતવર્ષમાં સૌથી પવિત્ર છે." રાજાના હર્ષનો પાર ન રહ્યો. તેણે પ્રધાનના નાના ભાઈ વિદ્વાન ને ભક્તિમાન વિદ્યાપતિને એ જગાએ જાતે જઈ તપાસ કરી, બ્રાહ્મણની વાત સાચી છે કે નહિ તે શોધી કાઢવા મોકલ્યો.

પેલા બ્રાહ્મણે બતાવેલી દિશામાં ને એ એધાણે ચાલતાં વિદ્યાપતિને શબર વિશ્વાવસુની ઝૂંપડી શોધી કાઢતાં વાર ન લાગી. તેની પાસે જઈ તેણે આવવાનું કારણ જણાવ્યું. શબરે આવા વિદ્વાન માણસને છાજે એવા આદરથી એનું સ્વાગત કર્યું. પણ વિદ્યાપતિએ નીલમાધવનાં દર્શન કર્યા વિના અન્ન લેવાની ના પાડી એટલે શબર એને પેલી પોતાને પ્રાણપ્રિય એવા જગાએ લઈ ગયો. એ સાંજે વિદ્યાપતિને થયું કે પોતાની શોધ સફળ થઈ છે. તે રાતે તે વિશ્વાવસુની સાથે રહ્યો. બીજો દિવસ પહેલા દિવસના જેવો જ ગયો, ને ત્રીજો પણ એમ જ પસાર થઈ ગયો. દિવસે દિવસે વિદ્યાપતિને એ સ્થાન એટલું બધું મોહક લાગતું ગયું કે જે કામને માટે પોતે આવેલો તે કામ ભૂલી જ ગયો. એક રાતે એને સ્વપ્નું આવ્યું તેમાં ભગવાને આવીને એને યાદ દેવડાવ્યું કે એને પાછા જવાનું છે ને રાજા આતુરતાથી એની રાહ જોઈ રહ્યો છે. 

બીજે દિવસે સવારે વિદ્યાપતિ માલવદેશ જવા નીકળ્યો. ત્યાં જઈ તેણે રાજાને પોતે નીકળ્યો ત્યાંથી માંડીને રજેરજ વાત કહી સંભળાવી. રાજા એકદમ એ સ્થાનની યાત્રાએ નીકળ્યો, આખે રસ્તે ઇન્દ્રદ્યુમ્નને આનંદ થતો હતો કે ભગવાને આખરે મારી શોધ સફળ કરી ખરી. પણ એક વાત એના મનમાં ખૂંચ્યાં કરતી હતી. નીચ જાતિનો, અસ્પૃશ્ય શબર ભગવાનની પૂજા કરીને મૂર્તિને પ્રતિક્ષણ ભ્રષ્ટ કરી રહ્યો હતો એ લાગણી એના મનમાંથી ખસતી નહોતી. પ્રવાસ પૂરો થતા પહેલાં એણે મનમાં સંકલ્પ કરી લીધો હતો કે એ અસ્‍પૃશ્ય શબરને ભગવાનની પાસેથી દૂર ખસેડવો. આવા વિચારો કરતો કરતો તે સીધો નીલાચલને શિખરે પહોંચ્યો. પણ જુએ છે તો ગુફામાંથી નીલમાધવની મૂર્તિ અલોપ થઈ ગયેલી! નીલમાધવ અંતર્ધાન થઈ ગયા હતા! રાજા બહુ દુઃખી થયો. એણે વિદ્વાન વિદ્યાપતિને પૂછ્યું. વિદ્યાપતિએ કહ્યું : “તમે શબર વિશ્વાવસુને અસ્પૃશ્ય ગણીને મનમાં તેનો તિરસ્કાર કર્યો છે. પણ એ તો મહાભક્ત છે ને એણે નીલમાધવની અપાર કૃપા મેળવી છે. તમે મનમાં ઊંચનીચભાવને આવવા દીધો, તેથી ભગવાન તમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયા, તમારે ઉપવાસ કરીને શુદ્ધ થવું પડશે, ને વિશ્વાવસુ પ્રત્યે કરેલા તિરસ્કારનો જે બદલો વાળી શકાય તે વાળવો પડશે. પછી જ્યારે તમારા મનમાંથી ઈશ્વરનાં બાળકો વિશેનો ભેદભાવ પૂરેપૂરો ભૂંસાઈ જશે ત્યારે તમે નીલમાધવનાં દર્શન કરી શકશો.’’

રાજાએ નમ્રતા અને પશ્ચાત્તાપથી માથું નમાવ્યું, અને વિદ્યાપતિની શિખામણ પ્રમાણે આચરણ કરવા માંડ્યું. તેણે અનેક દિવસનું અનશન કર્યું ને મનમાંથી ઊંચનીચભાવ સમૂળગો ભૂંસી નાખ્યો. તે પછી તરત જ નીલમાધવે એને સ્વપ્નમાં દર્શન દીધાં ને કહ્યું, ‘‘તું મને હવે અહીંયાં નહીં જુએ. કાલે સમુદ્રકાંઠે જજે. ત્યાં તું એક મેાટો લાકડાનો પાટડો જોશે. એ મારી અહીંની મૂર્તિનો અવશેષ હશે. એ પાટડામાંથી તું ચાર મૂર્તિ બનાવડાવજે. તારા રાજ્યના એકેએક માણસના મનમાંથી ઊંચનીચભાવ પૂરેપૂરો કાઢી નાંખજે, ને મહાભક્ત વિશ્વાવસુને ન્યાય કરજે.’’ બીજે દિવસે પરોઢિયે રાજા લાવલશ્કર સાથે સમુદ્રકાંઠે જઈને જુએ છે તો એક મોટો લાકડાનો પાટડો પડ્યો છે. ભગવાને કહ્યા પ્રમાણે તેણે એમાંથી ચાર મૂર્તિઓ બનાવડાવી --- એક જગન્નાથની, બીજી બલભદ્રની, ત્રીજી સુભદ્રાની, ને ચોથી સુદર્શનચક્રની. નીલાચલ પર એક મંદિર બંધાવ્યું ને તેમાં ચારે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. તમામ પ્રજાજનોને તેણે હુકમ મોકલ્યા કે રાજ્યમાં કોઈએ ઊંચનીચનો ભેદ રાખવો નહિ. એનું દૃષ્ટાંત બેસાડવા માટે તેણે શબર વિશ્વાવસુની દીકરી લલિતાને વિદ્વાન પંડિત વિદ્યાપતિ જોડે પરણાવી. આજે જગન્નાથના ભક્તિમાં અગ્રેસર ગણાતા પતિ મહાપાત્રો એ યુગલના વંશજ છે. જે લોકો આજે દ્વૈતપતિને નામે ઓળખાય છે ને જેમનો મંદિર ઉપર કુલ અધિકાર છે તેઓ શબર વિશ્વાવસુના વંશજ છે ને જગન્નાથના જાતિબંધુ મનાય છે. [જ્યારે જગન્નાથે દેહાંતર કર્યું મનાય છે ત્યારે આ લોકો મરેલા માણસની ઉત્તરક્યિા કરે એવી ક્રિયા કરે છે. એવી ક્રિયા કરવાનો અધિકાર બીજા કોઈને નથી.] ઇન્દ્રદ્યુમ્ન રાજાના વખતના તામ્રપટ પર લખેલા લેખમાં તેમને આ અધિકાર આપવામાં આવેલો છે.

રાજાએ જ્યારે મંદિરની સેવાપૂજા માટે ધારાધોરણ ઘડ્યાં ત્યારે તેમણે ૩૬ જાતિઓના માણસોને સેવામાં લીધા કે જેથી કાળાંતરે એવો અર્થ ન કરવામાં આવે કે એકલા શબરને જ મંદિરમાં જવાનો અધિકાર છે ને બીજાને નથી. મંદિરના અંદરના ભાગમાં સેવા કરવાનો અધિકાર સર્વ જાતિના માણસોને રાજાને એવું સિદ્ધ કરવું હતું કે જાતિ જાતિ વચ્ચે ભેદ નથી અને મંદિરમાં જઈ ભગવાનનાં દર્શન કરવાનો અધિકાર કોઈ પણ હિંદુને છે. એ પ્રથા અખંડિત ચાલતી આવી છે ને આજે પણ કાયમ છે. પંડા, બાવરી, હાડી, ચમાર, ધોબી દરેક જાતને ભગવાનની સેવામાં કંઈક કામ નિયત કરી આપેલું છે ને તે કામ તે જાતના માણસો કરે છે, ને કોઈ પણ પ્રકારની સેવા બીજી સેવા કરતાં ચડિયાતી કે ઊતરતી ગણાતી નથી.

જાણે આ વસ્તુને વિશે જરા પણ શંકા ન રહે એટલા માટે, અને જીવમાત્રની એકતા સ્થાપિત કરવાને સારુ, જગન્નાથને ધરાવેલા નૈવેદ્યને ‘કૈવલ્ય’ એટલે એકત્વ કહેવામાં આવે છે; અને એ નૈવેદ્યનો પ્રસાદ લેવાની કોઈ પણ માણસ ઊંચનીચના ભેદને કારણે ના પાડતું નથી. સર્વ જાતિના માણસો એક હારમાં બેસીને, એટલું જ નહિ પણ એક જ પત્રાવળી કે થાળીમાં ખાય છે. આ પ્રથા ત્યાં ઘણા લાંબા વખતથી ચાલતી આવેલી છે.

એમ કહેવાય છે કે આ મંદિર હિંદુ સમાજને અર્પણ કરવાને સારુ, ને પોતાના વંશજો મંદિર અને મૂર્તિ પર માલિકીનો હક ન કરે તેટલા માટે રાજાએ ભગવાન પાસે વર માગી લીધો કે મારે કોઈ વંશજ ન થજો ને આ મંદિરનાં દ્વાર સદાસર્વદા હિંદુમાત્રને માટે ખુલ્લાં રહેજો. એટલે મંદિરનાં સિંહદ્વાર પર આ અક્ષરો કોતરેલા છે: ‘હિંદુ સિવાયના કોઈ ને અંદર જવાની છૂટ નથી. કોઈ પણ હિંદુ અંદર જઈ શકે છે.’ એ જ વ્યવસ્થા મંદિરના નિયમોના ગ્રંથ ‘નીલાદ્રિ મહોદય’માં પણ લખેલી છે. સૂર્યવંશી ઇન્દ્રદ્યુમ્ન રાજાનો વંશ અસ્ત પામી ગયો છે. ….

જગન્નાથની આ કથાનો કળશ તો હવે ચડે છે. પોતે કહે છે તે કેવળ શાબ્દિક વસ્તુ નથી એ સિદ્ધ કરવાને રાજાએ મંદિરમાં ઝાડુ વાળવાનું કામ માથે લીધું. રથયાત્રાના ઉત્સવને વખતે જગન્નાથની પ્રતિમા રથમાં પધરાવવામાં આવે છે. તે પહેલાં રાજા જાતે રથને વાળીઝૂડીને સાફ કરે છે. આ પ્રથા આજસુધી ચાલતી આવી છે. 
(13 મે, 1934 - हरिजनबंधुમાંથી)