મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સીએએ અને એનઆરસીના સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે જે હવે ભયાનક બનતા જાય છે. જાફરાબાદ અને મૌજપુરમાં રવિવારે રાત્રે જોરદાર હંગામો થયો હતો જે હજુ પણ ચાલુ છે. આ ઘટનામાં સીએએનો વિરોધ અને સમર્થન કરનારા લોકો સામસામે આવી ગયા હતા. ઘણા સ્થાનો પર હિંસા પણ થઈ છે. એક ડીસીપી પણ હાલમાં ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત મળી રહી છે. સાથે જ એક પોલીસ કર્મચારીના મોતની પણ માહિતી મળી છે.

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં ઓછામાં ઓછા દસ જેટલા સ્થાનો પર હિંસાને જોતા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ હિંસા અંગે સીએમ અરવિંદ કેજરીવાલનું ટ્વીટ, 'દિલ્હીના વિવિધ ભાગોમાં શાંતિ અને સુમેળને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હું માનનીય લેફ્ટનન્ટ ગવર્નર અને ગૃહ પ્રધાનને વિનંતી કરું છું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે, જેથી શાંતિ અને સુમેળ સુનિશ્ચિત થઈ શકે. '

એટલું જ નહીં પણ ઉપદ્રવીઓએ મીડિયા કર્મચારીઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો અને અપશબ્દો આપ્યા છે. કહેવાઈ રહ્યું છે કે મૌજપુર વિસ્તારમાં હાલત ખુબ ખરાબ છે. અહીં ગોળીબાર પણ થઈ રહ્યો છે. આ ગોળીબારમાં એક શખ્સને ગોળી વાગ્યાની માહિતી મળી રહી છે. કહેવાઈ રહ્યું છે કે પોલીસ સ્થળ પર છે પરંતુ ઉપદ્રવીઓને કાબુ કરવામાં નાકામ સાબિત થઈ રહી છે.
આ ઉપરાંત માહિતી મળી રહી છે કે ભજનપુરા આગચંપીમાં ત્રણ-ચાર બાઈક્સ પણ ફૂંકી દીધા હતા. ભજનપુરા પોલીસ મથક પાસે પણ હિંસાની માહિતી મળી રહી છે. કરાલનગરમાં પણ હિંસા અને તણાવની વાત મળી રહી છે. એડિશનલ ડિસીપી સહિત ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારીઓએ શાહીન બાગની જ રીતે શનિવારે મોડી રાત્રે ઝાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચેથી પસારથી રહેલા રોડને પણ બંધ કરી દીધો હતો. જાફરાબાદમાં પણ મહિલાઓએ રસ્તાઓ પર અડીંગો જમાવી દીધો હતો. જોતજોતામાં જાફરાબાદનો પ્રદર્શનકારી માહોલ ચાંદ બાગમાં પણ પહોંચી ગયો.

પ્રદર્શનકારી મહિલાઓએ ચાંદબાગમાં પણ રસ્તાઓ પર ધરણા આપવાના શરૂ કરી દીધા. પ્રદર્શન કારીઓએ આ બાદ કબીર નગર અન મૌજપુરમાં પણ બબાલ કરવાનું શરૂ કરી દીધું. દિલ્હીનો મહોલ તે વખતે વધુ બગડ્યો જ્યારે સીએએના સમર્થનક અને વિરોધી બંને આમને-સામને આવી ગયા. દિલ્હીના મૌજપુરમાં બંને પક્ષોએ જોરદાર પત્થરમારો કર્યો હતો. જોકે પોલીસે કહ્યું કે થોડી જ વારમાં તેમણે સ્થિતિ કાબૂમાં કરી લીધી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. પૂર્વી રેન્જના પોલીસ અધિકારી આલોક કુમારે કહ્યું કે, પોલીસ પર પણ પત્થરમારો કરાયો હતો. સાંજે સ્થિતિમાં સુધાર આવ્યો તો રાત્રે ફરી માહોલ બગડ્યો હતો. સોશ્યલ મીડિયામાં ફરતા કેટલાક વીડિયોમાં એવા દાવા કરાયા છે કે સીએએના સમર્થકોએ વિરોધીઓ પર હુમલો કરવા માટે ટ્રોલીઓ ભરીને પત્થર મંગાવ્યા હતા અને મૌજપુર ચૌક પર ફેંકાવ્યા હતા.

આ માથાકુટમાં દિલ્હીના ગોકુલપુરીમાં થયેલી હિંસામાં એક પોલીસકર્મી રતન લાલનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ વિસ્તારમાં એક ડીસીપી પણ ઘાયલ થયા છે. અંદાજીત દસ સ્થાનો પર કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. આ ઉપરાંત ભજનપુરામાં સીએએ વિરોધ કરતાં પ્રદર્શનકારીઓએ એક પેટ્રોલપંપમાં આગ લગાવીને તેને ફૂંકી માર્યાની ઘટના સામે આવી છે, સાથે જ અહીં ઘણા વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી છે. મૌજપુર વિસ્તારમાં સીએએના સમર્થનમાં ઘણા લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. દરમિયાન, એક વ્યક્તિએ હાથમાં સીએએના સમર્થનમાં પોસ્ટર લગાવી બતાવ્યું. તેમણે તેમની છાતી પર 'વી સપોર્ટ સીએએ' લખ્યું છે અને તેની પીઠ પર પુલવામા શહીદના નામ મુક્યા હતા.